એક જ દિવસમાં રોકાણકારોના ૫.૫૪ લાખ કરોડ રૂપિયા ધોવાયા
(એજન્સી)મુંબઈ, ભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જાેવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. ૫ વર્ષમાં બજારની આ પ્રથમ નકારાત્મક ઓક્ટોબર શ્રેણી છે. ઓક્ટોબર સિરીઝમાં નિફ્ટીમાં લગભગ ૪%નો ઘટાડો થયો છે.
સેન્સેક્સ-નિફ્ટી સળંગ છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયા છે. પાવર સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં વેચવાલી જાેવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો દબાણ હેઠળ રહ્યા હતા જ્યારે રિયલ્ટી, ઓટો અને મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યા હતા. બેન્કિંગ, ફાર્મા અને આઈટી શેર્સ પર દબાણ જાેવા મળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૯૦૦.૯૧ પોઈન્ટ અથવા ૧.૪૧ ટકાના ઘટાડા સાથે ૬૩,૧૪૮.૧૫ પર બંધ થયો હતો.
જ્યારે નિફ્ટી ૨૬૪.૯૦ પોઈન્ટ અથવા ૧.૩૯ ટકાના ઘટાડા સાથે ૧૮૮૫૭.૨૫ ના સ્તર પર બંધ થયો હતો. આજે એક જ દિવસમાં નાગરિકોના ૫.૫૪ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. આ અઠવાડિયે, સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં અને ઓક્ટોબરના માસિક એક્સપાયરી ડે પર, ભારતીય શેરબજારમાં ઘટાડાનું સુનામી જાેવા મળ્યું છે.
વેચવાલી અને બજારના બગડતા મૂડને કારણે સેન્સેક્સ ૧૦૦૦ અને નિફ્ટીમાં ૩૦૦ પોઈન્ટનો ઘટાડો થયો હતો. મિડ કેપ ઈન્ડેક્સમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ રહ્યો હતો અને એનએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૯૦૦ પોઈન્ટ સુધી લપસી ગયો હતો. ટ્રેડિંગના અંતે બીએસઈસેન્સેક્સ ૯૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૩,૧૪૮ પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮,૮૫૭ પોઈન્ટ પર બંધ થયો હતો.