ટેન્ડરમાં માત્ર બે કંપનીઓને જ ફાયદો થાય એવી શરતોના આરોપસર AMCના 5 ઈજનેરોને નોટીસ

મ્યુનિ. કોર્પોરેશનના બે એડી. સીટી ઈજનેર સહિત પાંચ અધિકારીઓને કમિશનરે શોકોઝ નોટીસ ફટકારી – સુપરસકર મશીનમાં ટેન્ડર જાહેર કરવામાં વિલંબ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસટીપી તેમજ લાઈટ વિભાગમાંના ઉચ્ચ અધિકારીઓને ગેરરીતિ અને કામની બેદરકારી બદલ કમિશનર તરફથી શો કોઝ નોટિીસ ફટકારવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે લાઈટ વિભાગમાં ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહયો છે. જયારે એસટીપી વિભાગમાં વર્ષોથી ચાલતી ગેરરીતિના કારણે એડીશનલની બદલી કરવામાં આવી નથી.
મ્યુનિ. લાઈટ વિભાગના એડીશનલ સીટી ઈજનેર એચ.કે. નીનામા ને ટેન્ડરમાં ગેરરીતિ અને સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સના ટેન્ડર સમયસર જાહેર ન કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી. એચ.કે. નીનામા પર આરોપ છે કે તેમણે માત્ર બે કંપનીઓને જ ફાયદો થાય તેવી રીતે ટેન્ડર સ્પેશીફિકેશન તૈયાર કર્યાં હતાં
જેની સામે અન્ય કોન્ટ્રાકટરોએ કમિશનર સમક્ષ લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. જયારે સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ માટે સીટેલુમ કંપનીની મુદત પુરી થતી હોવા છતાં સમયસર ટેન્ડર જાહેર કર્યાં ન હતાં અને હાલ સ્ટ્રીટ લાઈટ વિભાગ પેટા કોન્ટ્રાકટરોના ભરોસે ચાલી રહયો છે. જેના કારણે સ્માર્ટ સીટીમાં અંધારપટ જોવા મળી રહયો છે.
મ્યુનિ. એસટીપી વિભાગના પૂર્વ એડિશનલ એમ.એચ.નીનામાને પણ કમિશનરે શો કોઝ નોટીસ ફટકારી છે તેમની પર આરોપ છે કે તેમણે સુપર સકર મશીનના ટેન્ડર સમયસર જાહેર કર્યાં ન હતાં
આ ઉપરાંત સુપરસકરની કામગીરીમાં પણ અનેક પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હતી તેમની સાથે તત્કાલિન ડેપ્યુટી સીટી ઈજનેર યુ.કે.મડીયા, આસિ. સીટી ઈજનેર સંજય જેઠવા અને આસિ. ઈજનેર રાજેશ પટણીને પણ શોકોઝ નોટીસ આપવામાં આવી છે.