અમદાવાદના 5 સ્મશાનગૃહનું 39 કરોડના ખર્ચથી રીનોવેશન કરવામાં આવશે
( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં હાલ 24 જેટલા સ્મશાનગૃહ છે. જે પૈકી મોટાભાગના સ્મશાન વર્ષો જુના છે અને જર્જરિત પણ થઈ ગયા છે. આ ઉપરાંત તેમાં લાઈટ, પીવા અને નાહવા લાયક પાણી, બેઠક વ્યવસ્થા, સફાઈ, સી.એન.જી અને લાકડાભઠ્ઠી સહિત અનેક સમસ્યાઓ પણ જોવા મળે છે.
જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા તમામ સ્મશાનમાં જરૂરી રીનોવેશન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકી પ્રાથમિક તબક્કે 5 સ્મશાન રીપેર કરવામાં આવશે.
અ.મ્યુ.કો ના જુદા જુદા ઝોનમાં થઈને કુલ પાંચ સ્મશાનગૃહ રી-ડેવલોપમેન્ટ કરવાનુ આયોજન કરવામાં છે. જેમાં મધ્યઝોન નાં જમાલપુર વોર્ડ ખાતે સપ્તઋષિ સ્મશાનગૃહ રૂા. ૮.૪૭ કરોડના ખર્ચે, પશ્વિમ ઝોનના નવરંગપુરા વોર્ડ ખાતેના એલીસબ્રીજ વિસ્તારનાં વી.એસ હોસ્પીટલ સ્મશાનગૃહ રૂા. ૮.૩૧ કરોડના ખર્ચે, પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં અચેર સ્મશાનગૃહ રૂા.૭.૧૯ કરોડ ના ખર્ચે,
દક્ષિણઝોન ના ખોખરા વોર્ડમાં હાટકેશ્વર સ્મશાનગૃહ રૂા.૮.૯૦ કરોડ ના ખર્ચે તથા ઉત્તર ઝોન ના નરોડા વોર્ડ ખાતે નરોડા સ્મશાનગૃહ રૂા.૮.૭૪ કરોડ ના ખર્ચે સ્માર્ટ સ્મશાનગૃહ રી-ડેવલોપમેન્ટ કરવાનુ આયોજન કરવામાં આવેલ છે. આમ, પાંચેય સ્મશાનગૃહ નો રૂા.૩૯.૬૩ કરોડ ના ખર્ચે બનાવવાનુ આયોજન કરેલ છે.જેમાં વિવિધ આધુનિક સુવિધાઓ આવરી લેવામાં આવશે.
મ્યુનિસિપલ સીટી ઈજનેર હરપાલ સિંહ ઝાલાના જણાવ્યા મુજબ રીનોવેશન કરવામાં આવનાર સ્મશાનોમાં સીએનજી ભઠ્ઠી સ્મશાન-૩ નંગ, લાકડા ની ભઠ્ઠી સ્મશાન-૩ નંગ, બેઠક વ્યવસ્થા સાથે નો પ્રતિક્ષાખંડ, બેઠક વ્યવસ્થા સાથેનો વીઆઈપી પ્રતિક્ષાખંડ, નોંધણી કાર્યાલય, અસ્થિ કલેકશન રૂમ, શંકર ભગવાનની પ્રતિમા, વિવિધ ધાર્મિક વિધિ માટે ન્હાવા ધોવાની જગ્યા, ચા-કોફી દુકાન,
પુસ્તકો અને ધાર્મિક વસ્તુઓનો સ્ટોર, પાર્કીંગ, મહીલા/ પુરુષો માટે શૌચાલયની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સ્મશાનગૃહ ની દેખરેખ રાખવા માટે સિક્યુરીટીનો રૂમ, અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણી ના સ્ટોરેજની વ્યવસ્થા, દિશાસુચક બોર્ડ, લાકડાનો સંગ્રહ વિસ્તાર, સીસીટીવી વાઈ-ફાઈ/ પીએ સીસ્ટમ તેમજ જન્મ થી મૃત્યુ સુધીના જીવન ના તબક્કાને દર્શાવતી થીમ ઇન્સ્ટોલેશન ઉપલબ્ધ કરવામાં આવશે.