Western Times News

Gujarati News

કંડલામાં કંપનીના ટેન્કની સફાઈ કરતા ૫ કર્મચારીના ગૂંગળાઈ જવાથી મોત

ભુજ, કચ્છના કંડલામાં એક ખાનગી ઈમામી એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટેન્કની સફાઈ વખતે દુર્ઘટના સર્જા હતી. ટેન્કમાં ઉતરેલા પાંચ વ્યક્તિના ગેસના કારણે ગૂંગળામણથી મોત થતા હાહાકાર મચી ગયો છે. મૃતકોમાં સુપરવાઈઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.આ ઘટના અંગે કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ઈન્ચાર્જ સુપરવાઈઝર તિવારી વોટર ટેન્કની ડ્રેનેજ સિસ્ટમ તપાસવા ગયા હતા. પ્રોડક્શનમાં વપરાતા ખાદ્યતેલનો નકામો કદડો (સ્લજ) એક ટેન્કમાં એકઠો થાય છે.

આ કદડો સાફ કરવા હેતુ સુપરવાઈઝર ટેન્ક ઉપર ચઢીને નિરીક્ષણ કરતા હતા. તે સમયે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે બેહોશ થઈને તે ટેન્કની અંદર પડી ગયા હતા.

સુપરવાઈઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરે પણ અંદર ઝંપલાવ્યું હતું. બેઉ જણને ગૂંગળાતાં જોઈ બાજુમાં રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એક એમ ટેન્કમાં કૂદકો માર્યાે હતો અને જોત જોતામાં ઝેરી ગેસથી ગૂંગળાઈને પાંચે જણ ટેન્કમાં જ મૃત્યુ પામ્યા હતા.

દુર્ઘટના અંગે જાણ થતાં પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. મૃત્યુ પામનાર કર્મચારીઓમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમા૨ અને સંજય ઠાકોરનો સમાવેશ થાય છે.આ સમયે હાજર અન્ય લોકોએ બચાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ એમાં સફળતા મળી ન હતી.

રાત્રે એક વાગ્યે કંપનીના જવાબદાર લોકોને જાણ કરતા કંપની દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ સાથે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ હતભાગીઓને પ્રથમ ખાનગી અને બાદમાં આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તમામને મૃત જાહેર કર્યા હતા. કંડલા પોલીસે આ દુર્ઘટના અંગે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિફાઇન્ડ કરતી કંપનીમાં ગેસ ગળતર કેવી રીતે થયું અથવા મૃત્યુ પાછળનું સચોટ કારણ જાણવા તપાસ ચાલી રહી છે. કંપની તરફથી દરેક મૃતકના પરિવારને રૂ.૧૦ લાખની સહાય અપાશે. આ સિવાય લીગલ સહાય પણ મૃતકોના પરિવારને મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.