પાણીના પ્રવાહને અવરોધરૂપ પૂલ તથા દિવાલોને તોડવા 5 JCB કામે લગાડ્યા
કચ્છમાં મુંદરા-બારોઇ વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાતા નગરપાલિકા દ્વારા કરાઇ રાહત વ્યવસ્થાપનની કામગીરી
કચ્છમાં ભારે વરસાદના પગલે મુંદરા તાલુકાના મુંદરા શહેર અને બારોઇમાં ઠેર ઠેર પાણી ભરાઇ જતાં સોમવાર રાત્રીથી મુંદરા-બારોઇ નગરપાલિકા તથા સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ન ભરાય તે માટે તથા પાણીના પ્રવાહને અન્ય દિશામાં વાળવા માટે પાંચ જેસીબી કામે લગાડીને રાહત વ્યવસ્થાપનની કામગીરી કરવામાં આવી હતી.
આ અંગે મુંદરા-બારોઇ નગરપતિશ્રી કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે, સોમવાર રાતના ૧૨ કલાકથી પરિસ્થિતીની કાબૂમાં લેવા સુધરાઇના સ્ટાફ સાથે પદાધિકારીઓ તથા સંબંધિત તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતની ટીમ ખડેપગે રહીને બચાવ અને રાહત વ્યસ્થાપનની કામગીરી કરી રહી છે.
શહેરના ગુર્જરવાસમાં લોકોના ઘરમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થતાં તાત્કાલિક જ રાત્રે નજીકમાં આવેલા સાંકડા પુલને તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત બારોઇ વિસ્તાર પ્રભાવિત થતાં પાણી નિકાલની કામગીરી કરાઇ રહી છે.
નગરપાલિકા વિસ્તારમાં પાંચ જેસીબી તથા વિવિધ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવા માટે ડી-વોટરીંગ પંપ કામે લગાડાયા છે અને હાલ ખડેપગે સમગ્ર તંત્ર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. સમગ્ર પાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં નગરસેવકો ફરી ફરીને વરસાદને લઇને ઉભી થયેલી સમસ્યા દૂર કરવા સક્રીયપણે કામગીરી રહ્યા છે.