Western Times News

Gujarati News

5 શખ્સોએ વીમા કંપનીના સેલ્સ એક્ઝિ.ની બેગ લૂંટી લીધી

ઈડર તાલુકાના સાંપાવાડા પાસે બે, બક્કરપુરા ગામ નજીક એક યુવાન લૂંટાયો-બળજબરીપૂર્વક ખિસ્સામાંથી પાકિટ તેમજ મોબાઈલ કાઢી લઈ તેમનું બાઈક લઈ નાસી છુટયા હતા.

વડાલી, ઈડરના સાંપાવાડા હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલા ઈન્શ્યોરન્સ કંપનીના બે સેલ્સ એકિઝકયુટિવ તેમજ બક્કરપુરા ગામ નજીક પાનલ ગામના યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવી બાઈક, મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.ર૦,ર૦૦ની લૂંટના બે બનાવ બનતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ઈડર પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાવાઈ છે.

ઈડર તાલુકાના પાનોલ ગામનો મયુર કાંતિભાઈ જાધવ રવિવારે રાત્રે પોણા નવેક વાગ્યે પોતાની મોટર સાયકલ લઈને ઈડરથી પોતાના ગામ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બક્કરપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક રાત્રિના અંધારામાં બાઈક ઉપર આવેલા અજાણ્યા ત્રણ જણાએ મયુરભાઈ કાન્તીભાઈ જાદવની બાઈકને પાછળથી ટકકર મારી લાત મારી નીચે પાડી દીધા હતા અને બળજબરીપૂર્વક ખિસ્સામાંથી પાકિટ તેમજ મોબાઈલ કાઢી લઈ તેમનું બાઈક લઈ નાસી છુટયા હતા.

આ ઉપરાંત સાંપાડા હાઈવે નજીક રાત્રિના સુમારે એક ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીમાં સેલ્સ એકિઝકયુટિવ તરીકે નોકરી કરતા રૂચિત હરિઓમભાઈ ભાવસાર તથા સંદિપભાઈ બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન સાંપાડાવા ગામ નજીક હાઈવે પર બે બાઈકો લઈને આવેલા પાંચ જેટલા બુકાનીધારીઓએ આ બંને યુવકોની બાઈકને લાત મારી નીચે પાડી દઈ તેમના હાથમાં રહેલી બેગ લઈને નાસી ગયા હતા. જોકે બુમાબુમ કરતાં એક બાઈક રોડ ઉપર મુકીને પાંચેય જણા ખેતરોમાં નાસી છૂટયા હતા.

રાત્રિના સુમારે આ બનેલી ઘટના અંગે પોલીસને જાણ કરવા માટે મયુર કાન્તીભાઈ જાદવ સહિત અન્ય યુવાનો ઈડર પોલીસમાં ગયા હતા અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. પાનોલ ગામના મયુરભાઈ કાન્તીભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બાઈક, રોકડ રૂ.ર૦૦ તેમજ મોબાઈલ મળી કુલ રૂ.ર૦,ર૦૦ની લૂંટનો ત્રણ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો રૂચિત ભાવસારે પાંચ શખસો સામે લૂંટનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.