Western Times News

Gujarati News

એલ.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ યુનિટ તૈયાર થયા બાદ શરૂ કરવામાં અસહ્ય વિલંબ

મણિનગર ના ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ના પ્રયાસ બાદ યુનિટ ઝડપથી શરૂ થાય તેવા એંધાણ

(પ્રતિનિધિ) અમદાવાદ,
  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં વખતોવખત રીનોવેશન કરવામાં આવે છે. પરંતુ અહીં પોસ્ટમોર્ટમ ની કોઈ જ સુવિધા નથી. પૂર્વ વિસ્તારમાં બનતી દુર્ઘટનાઓમાં થતા અપમૃત્યુ ના બનાવમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ કે વી.એસ. હોસ્પિટલ સુધી જવાની જરૂરિયાત ન રહે તે માટે એલ.જી.માં પી.એમ.યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે.
અહીં ચોંકાવનારી બાબત એ છે કે આ યુનિટ નું કામ 5 – 7 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગયું હતું પરંતુ રાજકીય ઇચ્છા શક્તિ ના અભાવે તે શરૂ કરવાની દિશામાં કોઈ જ કાર્યવાહી થઈ નહતી. હવે, સ્થાનિક ધારાસભ્ય ના પ્રયાસ બાદ પી.એમ .યુનિટ શરૂ કરવા પ્રયાસ થઈ રહયા છે.

  શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં નવો પોસ્ટ મોર્ટમ રૂમ બનાવવામાં આવ્યો છે.

આ યુનિટ વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી જયારે હોસ્પિટલ કમિટી ચેરમેન હતા તે સમયે મંજુર કરવામાં આવ્યું હતું. અને તત્કાલીન સીટી ઈજનેર એન.કે.મોદીના કાર્યકાળ દરમ્યાન જ તેનુ બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ તેને શરૂ કરવામાં અસહ્ય વિલંબ થયો છે. મણિનગર ના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આ યુનિટ શરૂ કરવા અંગત રસ લીધો છે જેના પરિણામે, સ્ટાફ ભરતી માટે મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. એલ.જી.હોસ્પિટલના પી.એમ.યુનિટમાં જરૂરી સ્ટાફની ભરતી કરવામાં આવશે.

જેમાં 2 લેબ ટેક્નિશિયન, 5 વૉર્ડ બોય, 4 સફાઈ કામદાર, 1 ટાઈપિસ્ટ અને 1 એક્સ-રે ઓપરેટર એમ કુલ 13 લોકોનો સમાવેશ થશે.આ ઉપરાંત ચાર સિક્યુરિટી ગાર્ડની પણ ભરતી કરવામાં આવશે.એલજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની અલગ એન્ટ્રી બનાવવામાં આવશે. જેથી, સરળતાથી પોસ્ટમોટમ માટે લોકોની અવરજવર થઈ શકે.

પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ કરવા માટે હજી ગૃહ વિભાગની મંજૂરી મેળવવાની બાકી છે. જે અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેમજ થોડું સિવિલ કામ બાકી છે, જે પૂરું થતા આગામી થોડા મહિનાઓમાં આ પોસ્ટ મોર્ટમ વિભાગ શરૂ કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિસિપલ શાસકો ઘ્વારા પાંચ  વર્ષ અગાઉ પોસ્ટમોર્ટમ યુનિટ શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી તેમજ એક વર્ષ પહેલા યુનિટ શરૂ કરવા રાજ્ય સરકાર ની મંજૂરી પણ મળી ગઈ હોવાના અહેવાલ વહેતા કરવામાં આવ્યા હતા.

પરંતુ આ બધી વાતો માત્ર હવામાં જ કરવામાં આવી હતી. સરકારની મંજૂરી હજી મળી નથી. આ ઉપરાંત સ્ટાફની ભરતી કરવામાં આવી ન હોવાથી પી.એમ.યુનિટ શરૂ થયું નહતું. હવે, સ્ટાફ ભરતીના કામ ને મંજૂરી આપવામાં આવી છે તેથી આ યુનિટ ઝડપથી શરૂ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.