Western Times News

Gujarati News

50 થી વધુ એસોસિએશનની ફાયર NOC ઉપરાંત BU પરમિશન મુદ્દે સમય આપવા માંગણી

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ આરએમસી દ્વારા મિલકતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સીલને લઈને વેપારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના આગેવાનોમાં ભારે રોષ પ્રગટ્યો છે. ફાયર એનઓસી અને બીયુ માટે વેપારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સમય માગી રહ્યા છે. જુદાં-જુદાં ૫૦થી વધુ એસોસિએશનના હોદ્દેદારોએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી.

જેમાં દુકાનો, શોરૂમ, ઔદ્યોગિક એકમો, શાળાઓને આડેધડ સીલ કરવાની સામે વિરોધ પ્રગટ કર્યો હતો અને ફાયર એનઓસી ઉપરાંત બીયુ પરમિશન મુદ્દે વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવી આ પ્રક્રિયા માટે સમય આપવા માંગ કરવામાં આવી હતી. મ્યુ. કમિશનરે નિયમો અનુસાર શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી.

રાજકોટનાં વેપારીઓના જણાવ્યા અનુસાર આજે તમામ વેપારી એસોસિએશનો દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સીલિંગની કાર્યવાહી ચાલી રહી છે તે કરતા પહેલા વેપારીઓને થોડો સમય આપવાની માંગ કરવામાં આવી છે. અમારા માટે પણ પ્રજાની અને સ્ટાફની સેફટી મહત્વની છે અને નિયમો પાળવામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા અમે માંગતા નથી.

પરંતુ ફાયર એનઓસીનાં બદલાયેલા નિયમો મુજબના સાધનો વસાવી જરૂરી વ્યવસ્થા કરવા માટે થોડો સમય મળે તે જરૂરી છે.સરકાર અને કોર્પોરેશન દ્વારા જે રીતે તાત્કાલિક ફાયર એનઓસી લેવામાં નહીં આવે તો સીલ મારી દેવામાં આવશે તેવું વલણ અપનાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. તો વેપાર-ધંધા અને સ્કૂલો પણ બંધ થઈ જશે.

મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યુ હતું કે, છેલ્લા ત્રણેક દિવસથી ફાયર એનઓસી અને બીયુ પરમિશન માટે સમય આપવાની રજૂઆતો મળી રહી છે. કેટલાક લોકો પાસે ફાયર એનઓસી છે બીયુ નથી, તો કેટલાક લોકોની પાસ બીયુ છે પણ ફાયર એનઓસી નથી. અને અમુક એવા એકમો છે જેની પાસે બન્નેમાંથી કંઈપણ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.