50 વર્ષથી ચાલતા આસામ-મેઘાલયનો સીમા વિવાદ સમાપ્ત

નવી દિલ્હી, આસામ અને મેઘાલય વચ્ચે આશરે 50 વર્ષોથી ચાલી રહેલો સીમા વિવાદ આજે રાજધાની દિલ્હીમાં નિરાકરણ થવાની આશા છે. મંગળવારે ગૃહ મંત્રાલયમાં અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રી એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓની આ મુલાકાત બપોરે 3:30 વાગ્યાની છે.
આસામનાં મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમા આજે ગૃહ મંત્રાલયમાં મળશે. જેમાં બંને રાજ્યોના મુખ્ય સચિવ અને અન્ય ઓફિસરો પણ સામેલ થશે. બંને રાજ્યો વચ્ચે સમજૂતી કરાર પહેલા તેમની વચ્ચે આ ચર્ચાનું અંતિમ ચરણ હશે તેવી આશા છે.
31 જાન્યુઆરીએ બંને રાજયોના મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અમિત શાહને વિચાર માટે એક સમજૂતી પત્ર મોકલ્યો હતો. ગૃહમંત્રાલયે મતભેદવાળા 12 ક્ષેત્રોમાંથી 6 પર વિવાદનું સમાધાન કરવા માટે જાન્યુઆરીમાં બંને વચ્ચે થયેલ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે 29 માર્ચની તારીખ નક્કી કરી હતી.
બંનેએ પહેલા તબક્કામાં છ ક્ષેત્રો તારાબાજી, ગિજાંગ, હાકિમ,બોકલપાડા, ખાનપાડા-પિલંગકાટા અને રતચેરામાં સીમા વિવાદને ઉકેલવા માટે 29 જાન્યુઆરીએ ગુવાહાટીમાં સમજૂતી કરાર પર સહી કરી હતી. જેને ત્યારબાદ ગૃહમંત્રાલયને મોકલવામાં આવ્યુ હતું.
મેઘાલયને 1972માં આસામથી અલગ કરી એક રાજ્ય બનાવ્યું હતુ અને તેણે આસામ પુનર્ગઠન કાનૂન, 1971ને પડકાર્યો હતો જેમાં 884.9 કિલોમીટર લાંબી સીમાના વિવિધ ભાગોમાં 12 વિસ્તારોને લઈને વિવાદ ઉભો થયો હતો.