Western Times News

Gujarati News

બહેરાઇચ હિંસામાં ૫૦ લોકોની ધરપકડ: બજાર બીજા દિવસે બંધ

બહેરાઇચ, ઉત્તર પ્રદેશના બહેરાઇચ ખાતે મહારાજગંજમાં કોમી હિંસાની ઘટનામાં ૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, સતત બીજા દિવસે બજાર બંધ રહ્યા હતા અને લોકોએ ઘરની અંદર રહેવાનું પસંદ કર્યું હતું.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હુમલામાં માર્યા ગયેલા યુવકના પરિવારજનોની મુલાકાત લીધી હતી. બહેરાઇચમાં હિંસાને પગલે પોલીસ અને અન્ય સુરક્ષાકર્મીઓનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિસ્તારમાં મોબાઇલ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવામાં આવી છે. જોકે, વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર નજીકના જિલ્લા સીતાપુરમાં ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે બહેરાઇચમાં માતા દુર્ગાની મૂર્તિના વિસર્જનની શોભાયાત્રા વખતે પથ્થરમારો અને ગોળીબારને પગલે કોમી હિંસા ફાટી નીકળી હતી. બનાવમાં ૨૨ વર્ષના યુવાનનું ગોળી વાગતા મૃત્યુ થયું હતું. જ્યારે છ લોકોને ઇજા થઈ હતી. બહેરાઇચના પોલીસ સુપરિન્ટેન્ડન્ટના પીઆરઓએ જણાવ્યું હતું કે, રવિવાર અને સોમવારની હિંસામાં અત્યાર સુધી ત્રણ એફઆઇઆર નોંધવામાં આવી છે.

જ્યારે વધુ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. કોમી હિંસાની ઘટનાને પગલે વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ શંકાસ્પદની ધરપકડ કરી હતી.

સોમવારે વધુ ૩૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ મોનિકા રાનીએ મંગળવારે જણાવ્યું હતું કે, “અસમાજિક તત્વોને પકડવાના પ્રયાસ ચાલુ છે. પોલીસ અધિકારીઓએ અત્યાર સુધીમાં ૫૦ લોકોની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં પોલીસ વધુ પગલાં લેશે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.