અમદાવાદ પશ્ચિમ R3 ઝોનમાં 50 ટકા બાંધકામો ગેરકાયદેસરઃ શહેજાદખાન પઠાણ
મ્યુનિ. કોર્પોરેશનના સર્વે બાદ ર૮ હજાર ફેરિયાઓ ગાયબ
(પ્રતિનિધિ) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના ફેરિયાઓને રોજી રોટી મળી રહે તે માટે રૂા.૧૦ હજારની લોન આપે છે જયારે અમદાવાદ શહેરમાં તેમની જ પાર્ટીના સત્તાધીશો ફેરિયાઓના લારી -ગલ્લા ઉઠાવી તેમને બેરોજગાર કરી રહયા છે મ્યુનિસિપલ તંત્રના ચોપડે ર૮ હજાર કરતા વધુ ફેરિયાઓ ગાયબ થઈ ગયા છે. આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં આર-૩ ઝોનમાં મોટાપાયે ગેરકાયદેસર બાંધકામો થયા હોવા છતાં તેને તોડવાની હિંમત તંત્રમાં નથી તેવા આક્ષેપ કોંગ્રેસ પાર્ટીએ કર્યાં છે.
મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે રજુઆત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ર૦૧૪માં સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ શરૂ કર્યો હતો પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સદર પોલીસીનો કડક અમલ કરવામાં આવતો નથી. ભારત સરકાર સ્વનિધીથી સમૃધ્ધિ યોજનામાં નાના ફેરિયાઓને લોન આપી રહી છે.
અમદાવાદ શહેરમાં પણ અંદાજે એક લાખ ફેરિયાઓને લોન આપવામાં આવી છે પરંતુ મ્યુનિ. કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો યોગ્ય અમલ કર્યો ન હોવાથી ફેરિયાઓના લારી-ગલ્લા ઉઠાવવામાં આવી રહયા છે. સ્ટ્રીટ વેન્ડર પોલીસી અંતર્ગત ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જરૂરી છે પરંતુ મ્યુનિ. કોર્પો.ના સત્તાધીશો તેનો અમલ કરતા નથી અને નાના ફેરિયાઓને બેરોજગાર કરી રહયા છે.
હાસ્યાસ્પદ બાબત એ છે કે કાચો માલ સામાન એટલે કે ડુંગળી કે બટાકા વેચનાર ફેરિયાનો સમાવેશ સ્ટ્રીટ વેન્ડર પોલીસીમાં થાય છે પરંતુ તેજ શાકભાજીથી ભાજીપાઉ બનાવનાર ફેરિયાનો સમાવેશ સદર પોલીસીમાં કરવામાં આવયો નથી જયારે લો ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ખાણીપીણી બજારનો સદર પોલીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે આમ મ્યુનિ. સત્તાધીશો અને અધિકારીઓએ તેમની મરજી મુજબ પોલીસીનો અમલ કરી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૬માં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ૬૭૧૯૭ સ્ટ્રીટ વેન્ડરની નોંધણી કરી હતી ત્યારબાદ સ્થળ પર મુલાકાત કરતા ર૮૮૧૯ ફેરિયાઓ ગાયબ થઈ ગયા હતાં મ્યુનિ. કોર્પોેરેશનની બેવડી નીતિના કારણે આ ફેરિયાઓ ગાયબ થઈ ગયા છે.
રાજય સરકારે ર૦૦રમાં મંજુર કરેલ સીટી ડેવલપમેન્ટ પ્લાન ર૦૧૧માં પહેલી વખત બાંધકામ માટે આર-૧, આર-ર અને આર-૩ એવા ત્રણ ઝોન જાહેર કર્યા હતાં આર-૩ માં બાંધકામ કરવા માટે ન્યુનતમ ૧૦૦૦ ચો.મીટર ક્ષેત્રફળ હોય તેવા પ્લોટ જરૂરી છે જેમાં બાંધકામની ઉંચાઈ વધુમાં વધુ ૮ મીટર અને ગ્રાઉન્ડ કવરેજ માત્ર ૧પ ટકા મળવા પાત્ર છે.
મ્યુનિ. કોર્પોરેશને ૪ વર્ષ અગાઉ આ અંગે જાહેર નોટિસ પણ પ્રસિધ્ધ કરી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા ઓગણજ, ભાડજ, સોલા, મકરબા, શીલજ, થલતેજ સહિતના વિસ્તારોની અંદાજે ર૭.૦૮ ચો.કી.મી. જમીન આ ત્રણ ઝોનમાં છે. ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તારોમાં જ મોટાભાગના ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે જેને તોડવાની નૈતિક હિંમત તંત્રમાં રહી નથી તેનું મુખ્ય કારણ એ છે કે આ વિસ્તારમાં વીઆઈપી લોકો વસવાટ કરે છે અને તેઓ દ્વારા જ વૈભવી બંગલા, ફાર્મ હાઉસ વગેરે બનાવવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.