શેલ્ટર હોમમાં 500 ગ્રામ સ્કીમ મિલ્ક પાવડરના પેકેટો પહોંચાડાયા
બિપોરજોય વાવાઝોડાના રાહત કાર્યમાં સક્રિય રીતે જોડાયા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા બિપોરજોય વાવાઝોડાના રાહત કાર્યમાં ખુબ સક્રિય રીતે જોડાઇને રાજકોટ, ભાવનગર અને બોટાદ જીલ્લાની રાહત કામગીરી માટે સતત કાર્યરત છે.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે સગર્ભામાતા અને નાના બાળકોની સતત ચિંતા કરતા મંત્રીશ્રી દ્વારા બાળકો માટે દુધની વ્યવસ્થા કરેલ છે. માન.મંત્રીશ્રી દ્વારા રાજકોટ જીલ્લાની માહિ મિલ્ક પ્રોડ્યુસર કંપની સાથે વાતચિત કરી તેમની પાસેથી સોશ્યલ રિસ્પોન્સીબીલીટીના ભાગ રૂપે ૫૦૦ ગ્રામ સ્કીમ મિલ્ક પાવડરના ૫૦૦ પેકેટ મેળવ્યા હતા.
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઇ દોશીની ઉપસ્થિતિમાં માહિ મિલ્ક પ્રોડ્યુસરના પ્રોક્યુરમેન્ટ હેડ શ્રી જ્ઞાનેન્દ્ર વર્મા, માહિ ડેરીના પી.આર.ઓ. શ્રી ગૌરાંગભાઇ દવે દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના એક લાખ દુધ ઉત્પાદકો વતી સામાજિક જવાબદારીના ભાગ રૂપે મિલ્ક પાવડર સરકારશ્રીની રાહત કામગીરી માટે સુપ્રત કર્યા હતા.
૫૦૦ ગ્રામના એક પેકેટમાંથી ૫ લીટર દુધ તૈયાર થઇ શકશે. આ પેકેટ સરકારશ્રી દ્વારા શરૂ કરેલ શેલ્ટર હોમમાં આશ્રય મેળવેલ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે.