સંતરામ મંદિરમાં ૫૦૦ કીલો કોપરું અને ૩ હજાર કીલો સાકરની ઉછામણી કરાઈ

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદમાં સેવા, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર મા બુધવારે મહાસુદ પૂનમ (માઘી પૂનમ)ની દિવ્ય ઉજવણી કરવામાં આવી છે.
નડિયાદના સંતરામ મંદિરમાં આજે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો ૧૯૪મા સમાધિ મહોત્સવની ઉજવણી દરમિયાન દિવ્ય જ્યોત સામે નતમસ્તક થતાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડયા હતા. પરંપરાગત રીતે ઓમ નાદ કર્યા બાદ સાકર વર્ષા શરૂ કરવામાં આવી હતી. સાંજે ૬.૫૦ના અરસામાં સંતોની ઉપસ્થિતિમાં સતત ૨૦ મિનિટ સુધી ૫૦૦ કિલો કોપરૂ અને ૩ હજાર કિલો સાકરની ઉછામણી કરાઈ હતી.
અખંડ જ્યોતમાં જ અમારે આસ્થા છે, જય મહારાજ બધાની પ્રાર્થના સાંભળે અને સંભાળે – સંતરામ મંદિરમાં હાજર શ્રધ્ધાળુઓના મુખે બસ આજે આજ વાત હતી. સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે બપોરથી જ શ્રધ્ધાળુઓની ભીડ જામતી જોવા મળી હતી. તાપમાં પણ લોકો ‘જય મહારાજ’ની ધૂન કરી, દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક થતાં જોવા મળ્યા હતા.
સાકરવર્ષાનો સમય સાંજે હતો. જેમ જેમ આ સમય નજીક આવતા તેમ તેમ ખાલી દેખાતાં મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓની ભીડ જામવા લાગી હતી અને સમી સાંજે મંદિર પરિસરમાં ઉભા રહેવાની પણ જગ્યા ન હતી. ૬.૪૮ કલાકે વર્ષમાં એકજવાર થતી આરતીના દર્શનનો લ્હાવો ભક્તોએ લીધો હતો.
‘બોલો જય જય જય મહારાજ સંત ગુરૂજીની આરતી…’ના શબ્દે શબ્દે શ્રધ્ધાળુઓ સંતરામમય થતાં જોવા મળ્યા હતા. ૯ મહંતોના જયનાદ બાદ ત્રણ વાર ઓમનું ઉચ્ચારણ કરી, એક મિનિટના મૌન બાદ સંતરામ મહારાજના ચરણે ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. બાદમાં ફરીવાર ત્રણ વખત ઓમનાદ કરીને સાકરની ઉચ્છામણી કરવામાં આવી હતી.
સાકરના પ્રસાદની એક એક કણ મેળવવા માટે રીતસર પડાપડી થઈ હતી. મંદિર પરિસરમાં સ્વયંમ સેવકો દ્વારા ઠેરઠેર નાના સ્ટેજ બનાવાયા હતા અને ત્યાંથી સાકરની ઉછામણી કરતા અને ભક્તો આ પ્રસાદીને ઝીલી હતી. સાકરવર્ષા પૂર્ણ થયા બાદ પણ ભક્તોએ મંદિર પરિસરમાં સાકર વીણીને પણ પ્રસાદી ગ્રહણ કરી હતી. ૨ કલાક મંદિર પરિસરનો માહોલ અલૌકિક બની ગયો હતો.
સંતરામ મંદિરમાં આજે ભરાયેલા મહાપુનમના મેળામાં ખેડા આણંદ જિલ્લા સહિત ગુજરાતના અનેક સ્થળોથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મેળા નો લહાવો લીધો હતો નડિયાદ બસ સ્ટેન્ડ થી લઈને છેક પારસ સર્કલ સુધી મેળો ભરાયો હોય લોકોની અવરજવર આખા દિવસ દરમિયાન ખૂબ જ જોવા મળી હતી. વિવિધ વસ્તુઓ વેચવા માટે ફેરિયાઓએ તેમજ પાથરણા વાળાઓએ અડ્ડો જમાવી દીધો હતો જેમાં લોકો વસ્તુઓ ખરીદતા હતા.