Western Times News

Gujarati News

51 મુસ્લિમોનો હત્યારો બ્રેન્ટન ભારતમાં પણ આવ્યો હતો

નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ વિસ્તારમાં 2019ના માર્ચની 15મીએ નમાજ પઢી રહેલા 51 મુસ્લિમોને ઠાર કરનાર હત્યારો બ્રેન્ટન ટેરંટ એ પહેલાં ભારત સહિત દુનિયાભરના દેશોમાં ફર્યો હતો.

ન્યૂઝીલેન્ડના ગુપ્તચર વિભાગે આ વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે ભારતમાં એણે મુંબઇ, જયપુર અને ગોવાની મુલાકાત લીધી હતી અને ગોવામાં ઠીક ઠીક સમય સુધી રહ્યો હતો. આ વિગતો જાહેર થતાં ભારતીય ગુપ્તચર વિભાગે પણ પોતાની રીતે તપાસ શરૂ કરી હતી.

2015-16માં બ્રેન્ટન ભારતની મુલાકાતે આવ્યો હતો. ભારતીય ગુપ્તચર વિભાગના એક અધિકારીએે મિડિયાને કહ્યું હતું કે અમારી તપાસ દરમિયાન બ્રેન્ટન પ શંકા જાગે એવું કશું મળ્યું નહોતું. એ પણ બીજા સામાન્ય પર્યટકોની જેમ ગોવામાં રહ્યો હતો. એની કોઇ પ્રવૃત્તિ સંદેહજનક નહોતી. ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં એણે કરેલા બેફામ ગોળીબાર સાથે પણ એની ભારત મુલાકાતને કશી લેવા દેવા હોય એવો પુરાવો મળ્યો નહોતો.

ગોવામાં બ્રેન્ટન સસ્તી હૉટલોમાં ઊતરતો હતો અને પોતાના સાથી પર્યટકો કે હૉટલના સ્ટાફ સાથે જરૂર પૂરતી વાત કરતો હતો. આનો અર્થ એવો હતો કે ભારતમાં એ માત્ર ફરવા આવ્યો હતો.

ભારત ઉપરાંત બ્રેન્ટને ચીન, જપાન, રશિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લીધી હતી. 2019માં મસ્જિદ પર હુમલો કરવા અગાઉ એણે સોશ્યલ મિડિયા પર મુસ્લિમ વિરોધી કેટલીક પોસ્ટ પણ કરી હતી. એણે મસ્જિદ પર કરેલા હુમલાની વિડિયો ફેસબુક પર ફરતી થઇ હતી જેને ફેસબુકે થોડા સમયમાં હટાવી દીધી હતી.

ન્યૂઝીલેન્ડની કોર્ટે બ્રેન્ટનને આજીવન કેદની સજા કરી હતી. જજે એને સામૂહિક હત્યા માટે દોષિત ઠરાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તારા માનસમાં નફરતનું ઝેર ભરેલું હતું. તેં કરેલી સામૂહિક હત્યા કોઇ સમજદાર વ્યક્તિ સહન કરી શકે નહીં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.