Western Times News

Gujarati News

પ્રમુખસ્વામી મહારાજે ૫૧ દેશો, ૧૭ હજાર ગામો, 2.5 લાખ ઘરોમાં વિચરણ કરી ૮ લાખ કરતાં વધુ લોકોને વ્યક્તિગત મળીને આપ્યું માર્ગદર્શન

Sadguru Pujya Viveksagardas Swami BAPS Swaminarayan Sanstha

જનસેવા માટે સતત ચાર દાયકા સુધી અવિરત વિચરણ કરી વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન જગાવનાર પ્રમુખસ્વામી મહારાજના ચરણે ભાવવંદના કરતા મહાનુભાવો  

૧૯૭૫-૧૯૭૬-૧૯૭૭ ના વર્ષમાં અનુક્રમે ૬૫૪, ૭૨૮, ૬૬૩ ગામોમાં પ્રમુખસ્વામી મહારાજ વિચર્યા હતા

આદિવાસીઓના કૂબાથી લઈને અમેરિકા સુધી, રાષ્ટ્રપતિભવનથી લઈને બકિંગહામ પેલેસ સુધી પવિત્ર નૈતિક જીવન અને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનો કર્યો ઉદ્ઘોષ  

૧૯૮૩ માં હાર્ટ અટેક અને ૧૯૯૮ માં બાયપાસ સર્જરી પછી પણ લોકસેવા માટે પ્રમુખસ્વામી મહારાજનું વિચરણ સતત ચાલતું રહ્યું

જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવમાત્રમાં નૈતિક મૂલ્યોના સ્થાપન અને જતન માટે  સમય, સંજોગો, શારીરિક તકલીફો કે સુવિધાઓને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ પરહિતસુખાય સતત વિચરતા રહ્યા. પળેપળનો ઉપયોગ કરીને વિચરણ દ્વારા લાખો ભાવિકોને આશ્વાસન-માર્ગદર્શન-પ્રેરણા આપતાં પ્રમુખસ્વામી મહારાજ સૌના સ્વજન બન્યા હતા.

‘વિચરણ દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા ૪:૪૫ વાગ્યે ધૂન – કીર્તન  સાથે  થયો હતો.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખ જ્યોતી ઉદ્યાન ની રચના કરવામાં આવી છે

જેનો મુખ્ય આશય પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું દર્શન સમગ્ર વિશ્વને થાય તે છે.પ્રમુખસ્વામી મહારાજ શ્રદ્ધા ના સાકાર મૂર્તિ સમાન સંત હતા અને તેમને લાખો હરિભક્તોના ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી છે. આ નગરમાં મુખ્ય ૬ વિષયો આવરી લેવામાં છે જે નીચે મુજબ છે.

૧.પ્રકૃતિમાં શ્રદ્ધા

૨.દેશમાં શ્રદ્ધા

૩.વિશ્વમાં શ્રદ્ધા

૪.ગુરુમાં શ્રદ્ધા

૫.ભગવાનમાં શ્રદ્ધા

૬.શાસ્ત્રોમાં શ્રદ્ધા

પ્રમુખસ્વામી મહારાજને ભગવાન અને તેમના ગુરુ પ્રત્યેની પ્રાર્થનામાં અનોખી શ્રદ્ધા હતી અને તેઓ દ્રઢપણે માનતા હતા કે, “ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે.”

BAPS ના વરિષ્ઠ સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ચાર દાયકાઓ કરતાં વધુ સમયની અભૂતપૂર્વ વિચરણ યાત્રાના સાક્ષી એવા પૂ. વિવેકસાગર સ્વામીએ  ‘સૌનું કલ્યાણ કરતી વિરલ સંત સરિતા’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વિક્રમી વિચરણની ગાથાને વર્ણવી હતી.

તેમણે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે કલાકો સુધી વિચરણમાં પત્રલેખન પણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનથી લાખોના જીવન બદલાઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં પણ અનેકવિધ મુશ્કેલીઓમાં પુષ્કળ વિચરણ કર્યું છે. આજે ૨,૦૦,૦૦૦ આદિવાસીઓ સત્સંગી છે અને ઘણા તો સંતો પણ થયા છે.

પ્રમુખસ્વામી મહારાજના સતત વિચરણમાં તેમણે તેમના પંચવર્તમાનમાં લેશ ઓછપ આવવા દીધી નથી. પ્રમુખસ્વામી મહારાજના વિચરણને પ્રતાપે ૧૬૨ પ્રવૃતિઓ વિકસી, ૧૦૦૦ સાધુ બનાવ્યા, ૧૨૦૦ મંદિરો બનાવ્યા, અનેક ઉત્સવો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી. સત્યયમિત્રાનંદગીરીજી કહેતા કે આદિ શંકરાચાર્ય  પછી આવું વિચરણ કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય મહંતસ્વામી મહારાજ આગળ ધપાવી રહ્યા છે. ”

ત્યારબાદ ‘પ્રમુખસ્વામીજીની અવિરત વિચરણ ગંગા’ વિષયક વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી.

GCMMF ના મેનેજિંગ ડિરેકટર શ્રી ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું, “ ડૉ કુરિયન પ્રમુખસ્વામી મહારાજથી ખૂબ પ્રભાવિત હતા. ૧૯૮૭ માં ગુજરાતમાં દુષ્કાળ રાહતકારીમાં છાશ ને સુખડીના વિતરણની  સેવા પ્રમુખસ્વામી મહારાજે જે કરી હતી, તે સમયથી શરૂ થયેલી મિત્રતા હજી ચાલુ છે.

જ્યારે જ્યારે હું એમને  મળતો ત્યારે હું તો એમની આંખોને જ જોઈ રહેતો. એમની આંખોની પવિત્રતા અદભૂત હતી. તેઓ પ્રત્યેક ધર્મ, જાતિ, વય ના લોકોને સ્પર્શી ગયા અને અશકયને શક્ય બનાવી દીધું.  કચ્છ ભૂકંપમાં તેમણે અદભૂત સેવાઓ કરી. ૫ વર્ષમાં દિલ્લી અક્ષરધામ બનાવી દીધું. તેમણે સમગ્ર વિશ્વમાં મંદિરોનું સર્જન કર્યું અને હજારોના જીવન પરિવર્તન કર્યા અને લાખોને વ્યસન્મુક્ત કર્યા.”

વિખ્યાત પત્રકાર અને જાણીતા ગુજરાતી દૈનિક ‘નવગુજરાત સમય’ અને ‘Ahmedabad Mirror’ ના તંત્રી શ્રી અજયભાઈ ઉમટે જણાવ્યું, ” અબ્દુલ કલામ સાહેબે  લખેલા પુસ્તક “ટ્રાન્સેન્ડન્સ” ના ગુજરાતી અનુવાદ માટે મને પ્રમુખસ્વામી મહારાજે તક આપી એ મારા જીવનની અવિસ્મરણીય ઘટના છે. પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા પથ પર જો આપણે ચાલીશું તો ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે એવો મને દૃઢ વિશ્વાસ છે.

અક્ષરધામ હુમલા વખતે આતંકવાદીઓની આત્માની શાંતિ માટે તેમણે પ્રાર્થના કરીને શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો હતો જે “અક્ષરધામ રિસ્પોન્સ” તરીકે પ્રખ્યાત થયો છે અને સમગ્ર ગુજરાતમાં ચિર શાંતિ સ્થાપી હતી”

પતંજલિ યોગપીઠના સ્થાપક, યોગાચાર્ય પૂજ્ય યોગઋષિ બાબા રામદેવજીએ જણાવ્યું, “આ શતાબ્દી મહોત્સવ એ સાંસ્કૃતિક ક્રાંતિનો મહોત્સવ છે અને આ ક્ષણ એ જીવનભરની સ્મૃતિ છે. મેં  મારી આંખો થી ૩ કુંભના દર્શન કર્યા છે પરંતુ અહી અમદાવાદ માં ૬૦૦ એકર માં નિર્માણ પામેલા સાંસ્કૃતિક મહાકુંભના દર્શન કરી રહ્યો છું.

૧૦૦૦ થી વધારે વિવેકી,સંતોષી અને સનાતની સંતોના દર્શન કરીને તેમનામાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધુનિક પ્રબંધન નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને “ગુરુમુખી” સંતો અને સ્વયંસેવકોના દર્શન થઈ રહ્યા છે. આ શતાબ્દી મહોત્સવ એ સનાતન ધર્મના ગૌરવરૂપી મહોત્સવ છે.

મેં  આજથી ૩૦ વર્ષ પહેલાં પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ લીધા હતા ત્યારે મને કોઈ જાણતું નહોતું પરંતુ અત્યારે આખા વિશ્વમાં ભારતીય યોગનો પ્રચાર થઈ રહ્યો છે એવા સમર્થ ગુરુ હતા પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહિ પરંતુ વૈદિક સનાતન સંસ્કૃતિના ગૌરવ સમાન પુરુષ છે અને તેમની ઉપસ્થિતિ માત્રથી સૌમાં ઊર્જા આવી જતી હતી. જ્યાં આવીને વાણી મૌન થઈ જાય અને નિશબ્દ થઈ જવાય એ જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અને ભવ્યતા છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતોના દર્શન કરીએ ત્યારે તેમાં પ્રમુખસ્વામી મહારાજના જ દર્શન થાય છે.”

 પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું,  “ પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે.આજે અબુધાબીમાં બી.એ.પી.એસ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે એ આપણાં સૌ માટે ગૌરવની વાત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ અને સંકલ્પ રહેલા છે. “

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું, “પ્રમુખસ્વામીની ઓળખ આપવી હોય તો “પ્રમુખસ્વામી મહારાજનું નિર્દોષ હાસ્ય અને આંખોનું વાત્સલ્ય હું આજે પણ ભૂલી નથી શકતો. મેં  યોગીજી મહારાજના ધબ્બા ખાધા હતા એ મને આજે પણ યાદ છે. જેને દેશના વડાપ્રધાન પિતાતુલ્ય માને અને રાષ્ટ્રપતિ જેમને આધ્યાત્મિક ગુરુ માને તેવા પ્રમુખસ્વામી મહારાજ વિરલ સંત હતા. પ્રમુખસ્વામી મહારાજે ૧૦૦૦ થી વધુ સંતોને દીક્ષા આપીને તેમના જેવા સાધુતાયુક્ત દિપકોને પ્રજ્વલિત કર્યા છે. “

બાલકૃષ્ણભાઈ શુક્લ (વિધાયક અને ચીફ વ્હિપ – બીજેપી) એ જણાવ્યું, “ધર્મ અને વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજે પૂરું પાડ્યું છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સનાતન હિંદુ ધર્મનું ગૌરવ વધાર્યું છે.આજે ૬૦૦ એકર ભૂમિમાં ૮૦,૦૦૦ સ્વયં સેવકો સેવા કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ છે.”

રાજ્યસભા સાંસદ  શ્રી નરહરિભાઈ અમીને જણાવ્યું, “આપણાં સૌના પ્રેરણામૂર્તિ અને ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી આજે વિશ્વભરના તમામ ભક્તો અહી પધાર્યા છે તે સૌને વંદન કરું છું. છેલ્લા ૪૫ વર્ષના મારા જાહેર જીવનની દરેક પ્રવૃત્તિમાં મને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા છે. અમેરિકા હોય કે લંડન દેશ હોય , જ્યાં જ્યાં ભારતીયો વસે છે તેમના પુત્ર પુત્રીઓને સંસ્કાર આપવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે અને આજે મહંત સ્વામી મહારાજ પણ તે જ ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

આજે આપણો દેશ અને સંસ્કૃતિ અખંડિત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના આશીર્વાદ રહેલા છે. આપણાં હિન્દુ સંતો માટે દુબઈ જેવા દેશમાં રાજા – મહારાજાઓ લાલ જાજમ પાથરીને સ્વાગત કરે એ સનાતન વૈદિક હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું સન્માન છે અને તેનો શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે.”

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ શ્રી એસ. વી. રમન્નએ જણાવ્યું , “મને પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સિકંદરાબાદમાં મળ્યા હતા તે મારું સૌભાગ્ય છે અને સાથે સાથે દિલ્હી અક્ષરધામના દર્શન પણ મેં  કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજ એ દૂરંદેશી સંત હતા અને તેમનું સૂત્ર “બીજાના ભલામાં આપણું ભલું” એ વિશ્વમાં શાંતિનો સંદેશ આપે છે

આ સંસ્થાની સમાજ કાર્યની પ્રવુતિઓ ખરેખર અદભૂત છે અને સમાજના ઉત્થાનનું ઉત્તમ કાર્ય કરી રહી છે. “ચેરિટી બિગીન્સ એટ હોમ” એનું ઉત્તમ ઉદાહરણ એ આ બી.એ.પી.એસ સંસ્થા છે.

પ્રમુખસ્વામી મહારાજના “અક્ષરધામ રિસ્પોન્સ” અને “પ્રમુખસ્વામી મહારાજે દિવસ રાત જોયા વગર ભક્તોને આપેલી મુલાકાતો” થી હું અભિભૂત છું. “

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ કરતાંની સાથે જ પ્રમુખસ્વામી સ્વામી મહારાજની ભવ્ય મૂર્તિનાં દર્શન કર્યા અને મેં તેમની પ્રેમ અને વાત્સલ્યભરી આંખોનું તેજ અનુભવ્યું. મારું સૌભાગ્ય છે કે લંડન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વખતે મને ત્યાં હાજર રહેવા મળ્યું હતું અને મારું જીવન ધન્ય બની ગયું.

મુંબઈમાં પણ ૧૯૯૫ માં પ્રમુખસ્વામી મહારાજ અમૃત મહોત્સવમાં પણ મને હાજર રહેવા મળ્યું હતું એ મારું સૌભાગ્ય હતું.અબુધાબી માં ભવ્ય હિન્દુ મંદિર ના એલોટમેન્ટ લેટર નું ક્રમાંક ૦૦૧ છે જે સૂચવે છે કે ઇસ્લામિક દેશમાં પ્રથમ વખત હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે એની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ રહેલા છે.

મારા મતે પ્રબંધન , સ્થાપત્ય કલા , સમર્પણ ભાવ , નિઃસ્વાર્થ સેવા  વગેરે શીખવા માટે આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને બી.એ.પી.એસ સંસ્થા એ ઉત્તમ સંસ્થાન છે. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત પાછા લાવવા માટે તેમજ તેમના ભોજનની વ્યવસ્થામાં પણ બી એ.પી.એસ સંસ્થાએ અદભુત સહયોગ પૂરો પાડ્યો છે તે માટે હું આ સંસ્થાનો આભારી છું.

પ્રમુખસ્વામી મહારાજે દેશ ભક્તિમાં દેવ ભક્તિનો ઉપદેશ આપ્યો છે. પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી અને સમગ્ર દેશવાસીઓ સાથે હંમેશા રહેશે એવું હું દ્રઢપણે માનું છું.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું , “પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ,”વિચરણ કરવાથી સત્સંગ વધે છે, હરિભક્તો રાજી થાય અને ભગવાનની સેવા થાય. “નીર વહેતા ભલા અને સંત તો ચલતા ભલા” એ ભાવના સાથે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન જીવ્યા છે અને ભીડો વેઠીને વિચરણ કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે ગુરુ સામે દૃષ્ટિ રાખીને વિચરણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ “સૌમ્યમૂર્તિ” હતા અને આવા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા પધારેલા સૌ મહાનુભાવોને વંદન કરું છું અને તેમણે પ્રમુખસ્વામી મહારાજ માટે અંતરની લાગણીઓ કહી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.