Western Times News

Gujarati News

સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે ૫૧ ધ્વજાપૂજા કરવામાં આવી

સોમનાથ, દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા.

વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જાેડાયા હતા. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવની ધર્મધ્વજાના અહર્નિશ દર્શન કરનાર ભક્તોમાં મહાદેવની ધ્વજા પૂજાનું પણ અદભુત આકર્ષણ જાેવા મળ્યું છે.

કોઈપણ ધર્મસ્થાનનું મહાત્મ્ય તે મંદિરની ધ્વજામાં સમાયેલું હોય છે. કહેવામાં આવે છે કે જાે ભક્ત માત્ર મંદિરની ધજાના દર્શન કરે તો પણ તેને ભગવાનના દર્શન કર્યાનું પુણ્ય મળે છે. સોમનાથ મહાદેવની ધ્વજા ભાવિકો માટે અનેરૂ આસ્થાનું કેન્દ્ર છે.

તીર્થમાં પ્રવેશ કરતાની સાથે જ આકાશમાં ફરકી રહેલ સોમનાથ મંદિરનો ધર્મધ્વજ શ્રદ્ધાળુઓના મનમાં અનેરી આસ્થા ઉત્પન્ન કરે છે. સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા દાયકાઓથી શ્રદ્ધાળુઓમાં પરમ આસ્થા નું કેન્દ્ર રહી છે. ત્યારે આ વખતે શ્રાવણ માસમાં સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા ઊભી કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોના પૂજન અનુભવને વધુ ને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે.

જેની ફળ શ્રુતિ સ્વરૂપે શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારે છે ત્યારે તીર્થનું ભક્તિમય વાતાવરણ તેઓને આધ્યાત્મિક અને પૂજા કાર્ય માટે પ્રેરણા આપે છે. આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને ૫૧ ધ્વજા પૂજા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.