ફિલ્મ સ્ટુડિયો બનાવવાના બહાને NRI પાસેથી પ૧ લાખ પડાવી લીધા
કથારિયાના વતની અને હાલ અમેરિકા નિવાસી સાથે છેતરપિંડી
વડોદરા, મુંબઈના થાણામાં આવેલી જમીનમાં ફિલ્મ સ્ટુડિયો બનાવવાની ઓફર આપી એન.આર.આઈ પાસેથી પ૧ લાખ પડાવી લઈ છેતરપિંડી કરનાર મુંબઈના ભેજાબાજ સામે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
મૂળ આણંદના આંકલાવ તાલુકાના કંથારિયા ગામે અને ઈલોરાપાર્કમાં સેવાશ્રમ સોસાયટીમાં રહેતા જગદીશ ડાહ્યાભાઈ પટેલ હાલમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે રહે છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું છે કે, મારી ખેતી લાયક જમીન કંથારિયા અને વડોદરામાં છે.
વર્ષ ર૦૧૩માં ફેડરેશન ઓફ ઈન્ડિયા એસોસિયેશનમાં પ્રમુખ તરીકે હતો ત્યારે ૧પમી ઓગસ્ટે અમેરિકા ખાતે એક પ્રોગ્રામનું આયોજન કરવાનું હતું. આ પ્રોગ્રામમાં ભારતના કલાકારો તથા મહાનુભાવોને બોલાવવાનું નકકી કર્યું હતું.
મારી સંસ્થાના ભાગીદાર જયેશ પટેલના મિત્ર ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ બદ્રીપ્રસાદ વર્મા (રહે. શાશ્વત કોઠી, અંધેરી વેસ્ટ, મુંબઈ)ને બોલાવ્યા હતા ત્યારે મારી ઓળખાણ ઓમપ્રકાર સાથે થઈ હતી. મારા મિત્ર અજય વ્યાસ પણ ઓમપ્રકાશના મિત્ર થતા હોવાથી તેમના ઘરે જઈએ ત્યારે ઓમપ્રકાશ અમને મળવા આવતા હતા. અને ફોન પર પણ વાતચીત થતી હતી.
ઓમપ્રકાશે તેની જમીનમાં ફિલ્મ સ્ટુડિયો બનાવવાનું નકકી કરી મને પચાસ ટકાની ભાગીદારીની ઓફર કરી હતી તેની વાતમાં આવીને મેં હા પાડી હતી. તેણે પ૦ લાખના રોકાણની વાત કરી હતી. મેં જમીનનું લોકેશન, કાગળો જાેયા પછી નકકી કરવાનું કહ્યું હતું. વર્ષ- ર૦૧રમાં હું ભારત આવ્યો હતો.
તે સમયે મારા મિત્ર અજય વ્યાસ અને ઓમપ્રકાશ વર્મા મારા ઘરે ઈલોરાપાર્ક આવ્યા હતા. તેઓએ મને બતાવેલા કાગળો જાેઈને મેં ૧૦ લાખ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ સ્ટુડિયોના બાંધકામ માટે વધુ રૂપિયાની માંગણી કરતા ચેકથી ૩પ લાખ આપ્યા હતા ત્યારબાદ ઓમપ્રકાશે પ૦ ટકાના ભાગીદારનો લેખ લખી આપ્યો હતો. ત્યારબાદ મેં પાંચ લાખ રોકડા અને રૂ.૧૦ લાખ ચેકથી આપ્યા હતા.
ત્યારબાદ હું ભારત આવ્યો ત્યારે ઓમપ્રકાશને સ્ટુડિયોના બાંધકામ અંગે વાત કરી હતી પરંતુ તે મને ઉડાઉ જવાબ આપતા મને શંકા ગઈ હતી. મેં જમીન પર જઈને ચેક કર્યું તો કોઈ બાંધકામ થયું ન હતું. આ અંગે ઓમપ્રકાશને પુછતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં બાંધકામ કરી દઈશ.
પરંતુ ત્યારબાદ પણ ઓમપ્રકાશે બાંધકામ નહી કરતા મે તેની પાસે પૈસાની પરત માંગણી કરી હતી. એક વખત હું વડોદરા આવ્યો ત્યારે મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પોલીસ ખાતામાં નોકરી કરતો હોવાનું જણાવી એક વ્યક્તિએ આપી હતી.હું અમેરિકાથી ઓમપ્રકાશને ફોન અને મેસેજ કરીને રૂપિયા પરત આપી દેવા માટે જણાવતો હતો. પરંતુ તેકોઈ જવાબ આપતો નહતો.