ગુજરાતનું એક એવું ગામ જ્યાં મતદાન ન કરનારે ૫૧નો દંડ ભરવો પડે છે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં એક એવું ગામ છે, જ્યાં રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. એટલું જ નહીં ગામનો કોઈ વ્યક્તિ મતદાન ન કરે તો તેને ૫૧ રૂપિયા દંડ ભરવો પડે છે. ગામમાં આ નિયમ ૩૯ વર્ષોથી છે. આ ગામમાં ગ્રામીણ લોકો પણ ૧૦૦ ટકા મતદાન કરે છે.
રાજ્યના રાજકોટથી ૨૦ કિલોમીટર દૂર આવેલા રાજ સમાધિયાલા ગામ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીં ગ્રામીણ લોકો ગ્રામ વિકાસ સમિતિ (વીડીસી)ના નિયમોથી બંધાયેલા છે. જાે ગ્રામજનો નિયમ તોડે તો દંડ પણ ભરવો પડે છે. આ નિયમમાં ચૂંટણી દરમિયાન મતદાન ન કરવાની બાબત પણ સામેલ છે. અત્યાર સુધી ગામમાં ૧૦૦ ટકા મતદાન થતું રહ્યું છે.
ગામના સરપંચનું કહેવું છે કે, દંડની જાેગવાઈના કારણે ૧૦૦ ટકા મતદાન થાય છે. રાજ સમાધિયાલા ગામમી કુલ વસ્તી ૧૭૦૦ની છે. આમાં લગભગ ૯૯૫ મતદારો છે. તમામ ગ્રામીણ પોતાની મરજીથી મતદાન કરે છે. ગામવાસીઓએ એક સમિતિ બનાવી છે.
આ સમિતિ મતદાનના થોડા દિવસ પહેલા ગામવાસીઓને બેઠક યોજે છે. જાે કોઈ મતદાન ન કરે તો તેનું યોગ્ય કારણ જણાવવું પડે છે. ગામમાં ૧૯૮૩થી રાજકીય પક્ષો તેમજ તેના ઉમેદવારોને પ્રચાર ન કરવાનો નિયમ છે અને આ અંગેની જાણકારી રાજકીય પક્ષોને પણ છે. નેતાઓ જાણે છે કે, ગામમાં પ્રચાર કરવા ગયા તો નુકસાન વેઠવું પડશે.
એક સ્થાનિકનું કહેવું છે કે, જે નેતા સારું કામ કરે છે તે નેતાને જ ગામના લોકો મત આપે છે. કોઈપણ ઉમેદવારને બેનર, પોસ્ટલ લગાવવાની અને પત્રિકાનું વિતરણ કરવાની મંજુરી નથી. રાજ સમાધિયાલા એક હાઈટેક ગામ છે. ગામમાં ઈન્ટરનેટ તેમજ વાઈફાઈની સુવિધા છે. સીસીટીવી કેમેરા અને આરઓ પ્લાન્ટ પણ છે. આ સુવિધાઓના કારણે ગ્રામીણ લોકોનું જીવન સુવિધાજનક થઈ જાય છે.