Western Times News

Gujarati News

મૌલાના સલમાન અઝહરીને 52 લાખ બેંકમાં કોણે આપ્યાઃ ઉપાડેલા 27 લાખનું શું કર્યુ?

જૂનાગઢ લવાયેલા મૌલાનાના ટ્રસ્ટમાં એક સાથે 52 લાખ જમા થયા હતા

જુનાગઢ, એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જુનાગઢ પોલીસ દ્વારા મુંબઈના ઘાટકોપરના રહેવાસી મૌલાના સલમાન અઝહરી સહિતના ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ગુનાના કામે રજીસ્ટર્ડ કરવામાં આવેલા કેસમાં આઈપીસીની કલમ ૪૪૭, ૪૬૫, ૪૭૧નો ઉમેરો કરાવવામાં આવ્યો હતો.

તેમજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા વધારાના રિમાન્ડ માંગવામાં ન આવતા કોર્ટમાં બચાવ પક્ષના વકીલ દ્વારા ત્રણેય આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી.

જ્યારે આરોપીઓને જામીન આપવા ન આવે તે માટે બાર મુદ્દાઓ કોર્ટના ધ્યાન પર મૂકવામાં આવ્યા હતા. જો કે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના શારતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આરોપીઓને અગાઉ સીઆરપીસી ૪૧ (૧) મુજબ નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં તેમના દ્વારા સહકાર આપવામાં નહોતો આવ્યો. સલમાન અઝહરીની મુંબઈ ખાતે ધરપકડ કરવા જતા તેમના સમર્થકો દ્વારા ઘાટકોપર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોલીસ ઉપર દબાણ લાવવાનો તેમજ આરોપીને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહારાષ્ટ્ર પોલીસ દ્વારા લોકો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

તેમજ ઘાટકોપર પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. સલમાન અઝહરીના અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના બેન્ક એકાઉન્ટની માહિતી દરમિયાન ૨૦૨૩ માં ૫૨ લાખ જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. જે રકમ કોના કોના દ્વારા જમા કરાવવામાં આવી છે તે બાબતની તપાસ ચાલુ છે. જે બેન્ક એકાઉન્ટમાંથી સેલ્ફ તરીકે ૨૭ લાખ ૭૫ હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા છે.

જે રોકડ રકમનો તેને કઈ રીતે ઉપયોગ કર્યો છે તે બાબતની તપાસ ચાલુ છે. સલમાન અઝહરી દ્વારા ૨૦૨૨થી અત્યાર સુધીમાં કયા કયા વિદેશ પ્રવાસ કરેલવામાં આવેલ છે તે બાબતની માહિતી રિજીયન પાસપોર્ટ ઓફિસ ખાતેથી મંગાવવામાં આવી છે. આરોપી મહંમદયુસુફ મલેક અને અઝીમ ઓડેદરાના રિમાન્ડ દરમિયાન મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે.

જે ડેટા મેળવવાની કામગીરી ચાલુ છે. આરોપીઓ દ્વારા અલ અઝીમ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢના નેજા હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટ્રસ્ટ અંગે અઝીમની પૂછપરછ કરતા તે ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયેલ ન હોવાનું સામે આવ્યું છે.

જેથી ચેરીટી કમિશનર પાસેથી આ બાબતની માહિતી પણ માંગવામાં આવી છે. અઝહરી વિરુદ્ધ ભડકાવ ભાષણો બાબતે સામખયારી પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તેની ધરપકડ કરવાની બાકી છે. અઝહરી દ્વારા કરવામાં આવેલા ભડકાઉ ભાષણના પડઘા જુનાગઢ સહિત સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાં પડ્યા છે. જેથી જો તેને જમીન આપવામાં આવે તો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની સંભાવના રહેલી છે. મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ કર્ણાટક રાજ્યના હૂબલીમાં રાયોટીંગ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ સહિતના ૯ જેટલા ગુના દાખલ થયા છે.

તેમજ આરોપી અઝીમ ઓડેદરા વિરુદ્ધ આર્મસ એક્ટ તેમજ રાયોટીંગ સહિતના ત્રણ જેટલા ગુના દાખલ થયા છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના જણાવ્યા પ્રમાણે, આયોજન બાબતે જૂનાગઢ પોલીસ દ્વારા કોર્પોરેશન પાસેથી વિગત મંગાવવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશન દ્વારા નરસિંહ વિદ્યા સંકુલ ખાતે આવેલા ગ્રાઉન્ડમાં મંજૂરી આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.

મામલતદાર પાસેથી વિગત મંગાવવામાં આવતા આયોજન કરતા હોય નશા મુક્તિ બાબતે કાર્યક્રમ યોજવા માંગતા હોવાનું જણાવ્યું હતું. તેમજ કાર્યક્રમ શરૂ થવાનો સમય ૮ઃ૦૦ વાગ્યાનો તેમજ પૂર્ણ થવાનો સમય ૧૦ઃ૦૦ વાગ્યાનો દર્શાવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.