Western Times News

Gujarati News

USAમાં ૫૩૮ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ક્રિમિનલ્સની ધરપકડ

(એજન્સી)વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનતાની સાથે જ અમેરિકાએ સામુહિક દેશનિકાલ અભિયાન શરૂ કર્યાે છે. આ અંતર્ગત અમેરિકાએ ૫૩૮ ઈલિગલ ઇમિગ્રન્ટ ક્રિમિનલ્સની ધરપકડ કરીને લશ્કરી વિમાન દ્વારા ડિપોર્ટ કર્યા છે. જેમાં એક શંકાસ્પદ આતંકવાદી અને સગીરો સામે જાતીય ગુનાઓના દોષિત ઠેરવવામાં આવેલા ઘણા ગુનેગારોનો સમાવેશ થાય છે.

ગુરુવારે ઠ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્‌સમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે લશ્કરી વિમાન દ્વારા સેંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારોને દેશનિકાલ કર્યા છે. ડિપોર્ટ ફ્લાઇટ્‌સ શરૂ કરવા પર તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર વિશ્વને એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ મોકલી રહ્યા છે. જો તમે ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્‌સમાં પ્રવેશ કરશો તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.’લેવિટે કહ્યું કે, ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટ ઓપરેશન સારી રીતે ચાલી રહ્યું છે. વચનો આપવામાં આવ્યા હતા. વચનો પૂરા થયા.

ટ્રમ્પ વહીવટીતંત્રે ૫૩૮ ઈલિગલ ઇમિગ્રન્ટ ક્રિમિનલ્સની ધરપકડ કરી છે, જેમાં એક શંકાસ્પદ આતંકવાદી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્યો અને સગીરો સામેના જાતીય ગુનાઓના દોષિત ઠેરવવામાં આવેલા ઘણા ગુનેગારોનો સમાવેશ થાય છે.મહત્વનું છે કે, રિપબ્લિકન નેતૃત્વવાળા ગૃહે બુધવારે ચોરી અને હિંસક ગુનાઓના આરોપી અનધિકૃત ઇમિગ્રન્ટ્‌સને અટકાયતમાં રાખવાના બિલને અંતિમ મંજૂરી આપી હતી.

ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવાની રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની યોજનાઓ અનુસાર આ પહેલો કાયદો છે, જેને દ્વિપક્ષીય સમર્થન મળ્યું છે.ટ્રમ્પે બુધવારે યુએસ-મેક્સિકો સરહદ સીલ કરવા અને કાયમી કાનૂની દરજ્જા વિના લાખો ઇમિગ્રન્ટ્‌સને દેશનિકાલ કરવાના હેતુથી એક્ઝિક્યુટિવ ઓર્ડર પણ જારી કર્યા હતા.

તેમણે શરણાર્થીઓના પુનર્વસનને પણ રદ કર્યું અને તેમની નવી ઇમિગ્રેશન નીતિઓ લાગુ ન કરનારા સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની યોજનાનો સંકેત આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.