૫૪ વર્ષીય યુવા નેતા બંધારણની નકલ લઈને ફર્યા કરે છેઃ અમિત શાહ
નવી દિલ્હી, રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ગર્ભિત હુમલા કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પોતાને ‘યુવા’ કહેતા ૫૪ વર્ષના એક નેતા બંધારણની નકલ લઇને ફરતા રહે છે અને દાવો કરે છે કે સરકાર બંધારણ બદલી નાંખશે.
પરંતુ બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ બંધારણમાં પણ છે. કોંગ્રેસ હારી ગઈ, કારણ કે લોકોએ શોધી કાઢ્યું હતું કે કોંગ્રેસના નેતા બંધારણની નકલી કોપી લઇને ફરી રહ્યાં છે. અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપે દેશમાં ૧૬ વર્ષ શાસન કર્યું છે અને બંધારણમાં ૨૨ સુધારા કર્યા છે, જ્યારે કોંગ્રેસે ૫૫ વર્ષ રાજ કર્યું છે અને બંધારણમાં ૭૭ સુધારા કર્યા છે. આમ ભાજપ કરતાં કોંગ્રેસે બંધારણમાં વધુ સુધારા કર્યા છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકવા કોંગ્રેસે પ્રથમ બંધારણીય સુધારો કર્યાે હોવાનો દાવો કરીને ગૃહપ્રધાને જણાવ્યું હતું કે બંધારણમાં પ્રથમ સુધારો ૧૮ જૂન, ૧૯૫૧એ કરવામાં આવ્યો હતો. બંધારણની રચના પછી કોંગ્રેસ પાસે સત્તા પર જતા પહેલા લોકસભાની ચૂંટણીની રાહ જોવા માટે પૂરતી ધીરજ ન હતી.
વાણી સ્વાતંર્ત્યને ઘટાડવા માટે કલમ ૧૯છ ઉમેરવામાં આવી હતી અને તે સમયે જવાહર લાલ નેહરુ વડાપ્રધાન હતાં. ૨૪મો સુધારો તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ કર્યાે હતો. ૨૪ નવેમ્બર, ૧૯૭૧ના રોજ સંસદને નાગરિકોના મૂળભૂત હકોમાં કાપ મૂકવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે મોહબ્બત કી દુકાનના ઘણા નારા સાંભળ્યા છે. દરેક ગામમાં દુકાન ખોલવાની મહત્વાકાંક્ષા ધરાવતા લોકોના ઘણા ભાષણો પણ મેં સાંભળ્યા છે. મોહબ્બત એ વેચવાની વસ્તુ નથી. મોહબ્બત એ લાગણી છે, અનુભવવા જેવી વસ્તુ છે. કોંગ્રેસ બંધારણનું સન્માન કેમ નથી કરતી? તેઓ હંમેશા પરિવારવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારને સૌથી વધુ મહત્ત્વ આપે છે.SS1MS