ગાઝા પર ઇઝરાયેલે કરેલા ભીષણ હુમલામાં ૫૫ પેલેસ્ટેનિયનનાં મોત

દેઇર અલ-બલાહ, બે મહિનાના યુદ્ધવિરામ પછી ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં તેના હુમલા વધારી દીધા છે. ઇઝરાયેલે આખી રાત ગાઝા પટ્ટી પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૫૫ પેલેસ્ટેનિયન નાગરિકો માર્યા ગયા હતા. ખાન યુનિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૪ લોકોના મૃતદેહ નાસિર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમાંથી નવ એક જ પરિવારના છે.
મૃતકોમાં પાંચ બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાન યુનિસ નજીક યુરોપિયન હોસ્પિટલમાં ૧થી ૭ વર્ષના પાંચ બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત અન્ય ૧૯ લોકોના મૃતદેહ લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૧ મૃતદેહોને ગાઝા શહેરની અહલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં સાત બાળકો સામેલ છે.
ઇઝરાયેલી હુમલાના એક દિવસ પહેલા વરિષ્ઠ સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે ઇઝરાયેલ ગાઝાના મોટા વિસ્તારો પર કબજો કરશે. આ પછી પેલેસ્ટાઈન પ્રદેશમાં એક નવો સુરક્ષા કોરિડોર સ્થાપિત કરવામાં આવશે. જ્યાં સુધી આતંકવાદી જૂથ હમાસ પોતાના શસ્ત્રો ન મૂકે અને બાકીના બંધકોને મુક્ત ન કરે ત્યાં સુધી તે ૧૮ મહિનાથી ચાલતું યુદ્ધ આગળ પણ ચાલુ રહેશે.
આ ઉપરાંત ઇઝરાયેલે એક મહિના માટે ખોરાક, બળતણ અને માનવતાવાદી સહાયની તમામ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે પુરવઠો ઓછો થઈ જતાં નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ દરમિયાન, ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં એક નવો સુરક્ષા કોરિડોર સ્થાપિત કરી રહ્યું છે, જે રાફા શહેરને પેલેસ્ટેનિયન પ્રદેશથી કાપી નાખશે. નેતન્યાહૂએ આ સુરક્ષા કોરિડોરનું નામ ‘મોરાગ કોરિડોર’ રાખ્યું છે, જે રફાહ અને ખાન યુનિસ વચ્ચે હશે.SS1MS