56 ઇંચની છાતીની અંદર એક નાનકડું દિલ છે, જે માત્ર ઉદ્યોગપતિઓ માટે ધડકે છે : પ્રિયંકા ગાંધી
સહારનપુર, ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કિસાન મહાપંચાયતને સંબોધિત કરી. જે દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દિલ ઉદ્યોગપતિઓ માટે ધડકે છે. તેમણે કહ્યું કે કૃષિ કાયદાના કારણે માત્ર પૈસાવાળા લોકોને જ ફાયદો થશે.
સહારનપુરમાં ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે ત્રણ કૃષિ કાયદા સરકારે બનાવ્યા છે તે રાક્ષસી છે. આ કાયદા ખેડૂતોને મારવા માટે છે. પહેલો જે કાયદો છે તે ભાજપના જે ઉદ્યોગપતિ મિત્રો છે તેમની માટે જમાખોરી કરવાના રસ્તા ખોલશે.ખેડૂતોને બદનામ કરવામાં આવી રહ્યા છે. આજે ખેડૂતોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન આખી દુનિયામાં જાય છે પરંતુ ખેડૂતો પાસે જતા નથી.
વડાપ્રધાન પર નિશાન સાધતા તેમણે આગળ કહ્યું કે 56 ઇંચની છાતીની અંદર એક નાનકડું દિલ છે, જે માત્ર કેટલાક ઉદ્યોગપતિઓ માટે ધડકે છે. 16000 કરોડ રુપિયાના 2 પ્લેન લીધા અને 20000 કરોડ રુપિયા સાંસદના નવા ભવન માટે ખર્ચ થઇ રહ્યા છે, પરંતુ ખેડૂતોના જે 15000 કરોડ રુપિય બાકી છે તે આજ સુધી આપ્યા નથી.
પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે જાગી જાવ, તમે જેમની પાસે આશા રાખો છે તો તમારા માટે કંઇ નહીં કરે. જેઓ તમને મોટા મોટા વચન આપે છે તેમના શબ્દો ખોખલા છે. આ તમારી જમીનનું આંદોલન છે, તમે પાછીપાની નહીં કરતા. જ્યાં સુધી આ કયદા પરત ના લેવાય ત્યાં સુધી અડગ રહો અને આંદોલન શરુ રાખો.