58 નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સંતદીક્ષા ગ્રહણ કરી
પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન ૧૦૦૦ જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં જેમાં ૧૦ ડોક્ટર, ૧૨ એમ બી એ, ૭૦ માસ્ટર ડિગ્રી, ૨૦૦ એન્જિનિયર અને કુલ સંતોમાંથી ૭૦% થી વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે ૫૫ સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને ૭૦ સંતો અમેરિકાના નાગરિક છે.”
તા. 10-01-2023ના રોજ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે ૯ વાગ્યે ભાગવતી દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો.
BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી.
મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં. દીક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી અને સૌ નવદિક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી.
મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં.
BAPS ના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ જણાવ્યું,
“સાધુ પરંપરામાં આજે અનેક લોકોએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની આંખોમાં નિર્મળતા, નિશ્ચલતા, નિઃસ્પૃહતા અનુભવી છે. ૨૦૦૧ની સાલમાં અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા ત્યારે ખૂબ જ અભિભૂત થયા હતા અને તેમના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં કહ્યું છે કે, ‘પ્રમુખસ્વામીમાંથી દિવ્યતાનો સાગર વહેતો હતો.’
અનેક યુવકો આજે પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંતસ્વામી મહારાજની દિવ્યતા અને ગુણોથી આકર્ષાઈને ત્યાગશ્રમમાં જોડાવા તૈયાર થઈ જાય છે કારણકે તેમના સાંનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન ૧૦૦૦ જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં જેમાં ૧૦ ડોક્ટર, ૧૨ એમ બી એ, ૭૦ માસ્ટર ડિગ્રી, ૨૦૦ એન્જિનિયર અને કુલ સંતોમાંથી ૭૦% થી વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે ૫૫ સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને ૭૦ સંતો અમેરિકાના નાગરિક છે.”
BAPS ના વરિષ્ઠ સદ્ગુરુ સંત પૂજ્ય ડૉક્ટરસ્વામીએ જણાવ્યું, “ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે, ‘ભગવાનને ભજવા એથી મોટી બીજી કોઈ વાત નથી ‘ અને આજે આ યુવકો બધા લોકોને ભગવાન ભજવવાના પથ પર જઈ રહ્યા છે. ત્યાગનો માર્ગ એ ઉત્તમ માર્ગ છે.
ભગવાન સ્વામિનારાયણે તેમના જીવનકાળ દરમ્યાન ૩૦૦૦ જેટલા નિયમધર્મયુક્ત પરમહંસોને દીક્ષા આપી હતી અને આજે તે જ પરંપરામાં આજે સૌ દીક્ષા લઇ રહ્યા છે. આજે આ સંસ્થાના મોટાભાગના સંતો મહિનામાં ૫ નિર્જળા ઉપવાસ કરી રહ્યા છે તેવા ત્યાગી અને તપસ્વી સંતો પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે તૈયાર કર્યા છે.”
દીક્ષાવિધિ બાદ સૌ પર કૃપાવર્ષા કરતાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા:
“આ બધા દીક્ષાર્થી સાધુઓને ધન્યવાદ આપવામાં આવે છે કારણકે જગતથી તૂટીને ભગવાનમાં જોડાવું તે મોટી વાત છે, પરંતુ તમે તે કરી બતાવ્યું છે. આપના માતાપિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે કારણકે તેઓએ તેમનું હૃદય આપ્યું છે આજે. આપ સૌ શૂરવીર છો, નિયમ પાલનમાં દૃઢ રાખવા.”
પરિવારજનોનાં ઉદ્ગાર
અમેરિકન આર્મીમાં સેવારત શેનિકા શાહ જેઓ પૂજ્ય દધીચિ ભગત બહેન છે તેઓએ જણાવ્યું કે “મારો ભાઈ સાધુ થાય છે તે જોઈને હું બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું. અમેરિકામાં જન્મ છતાં તે ખૂબ જ સંસ્કારી છે. આ મહંતસ્વામી મહારાજની કૃપા છે.”
રાજકોટથી પધારેલા શ્રી વલ્લભભાઈ જેઓ પૂજ્ય સ્વસ્તિક ભગતના પૂર્વાશ્રમના પિતા થાય તેઓએ આ અવસરે કહ્યું કે “દીકરો ભગવાન અને સમર્થ સંત એવા મહંતસ્વામી મહારાજને સોંપ્યો છે એટલે કંઈ જ ચિંતા નથી. પુત્ર પણ રાજી છે, અમે પણ રાજી છીએ.”
BAPS નું સંત તાલીમ કેન્દ્ર
અમદાવાદથી ૧૫૦ કિમી દૂર બોટાદ જીલ્લામાં આવેલું સારંગપુર ગામ BAPS સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલીમ કેન્દ્ર આવેલું છે.
ગુરુ શાસ્ત્રીજી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખસ્વામી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના-શિક્ષણનું મુખ્ય સ્થાન બનાવી દીધું. વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલીમ આપવા માટે તેઓએ અહીં બધી જ વ્યવસ્થા કરી. ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા નવ દીક્ષિત સંતોને શાશ્વત જીવનમૂલ્યોના પાઠ ઘૂંટાવનારી એક અનુપમ બ્રહ્મવિદ્યાની કોલેજ પ્રમુખસ્વામી મહારાજે સને ૧૯૮૦માં ઊભી કરી દીધી.
પ્રથમ માતા-પિતાની લેખિત અનુમતિ લઈને મુમુક્ષુ યુવાન સારંગપુર આવે છે. અહીં ત્રણ વર્ષની પૂર્વ સાધક તાલીમમાં મુમુક્ષુની યોગ્ય ચકાસીણી પછી તેને પ્રાથમિક પાર્ષદ દીક્ષા આપવામાં આવે છે. મોટાભાગે દીક્ષા મહોત્સવનું સ્થળ નજીકમાં આવતા ઉત્સવ કે સમૈયામાં રાખવામાં આવે છે.
શ્વેત વસ્ત્રોમાં સજ્જિત આ પાર્ષદોને ત્યાગાશ્રમના તમામ નિયમ પાળવાના હોય છે. આગળ એકાદ વર્ષના અંતરાલ બાદ પાર્ષદને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. ભગવા વસ્ત્રોમાં શોભતા આ સંતો ત્યાર પછી પણ સારંગપુરમાં ધર્મગ્રંથો અને સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરે છે.
હિન્દી અને અંગ્રેજી ભાષાનો તેમજ વિશ્વના વિવિધ ધર્મોનો અભ્યાસ પણ અહીં તાલીમનો એક ભાગ છે.વળી, શિક્ષણની સાથે સ્વાવલંબનને પણ સ્વામીશ્રીએ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. તેઓએ કહ્યું હતું, “સેવાથી નમ્રતા આવશે. જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જ ઠરે છે.”
આ બધી અભ્યાસ અને સેવાની પ્રવૃત્તિને સ્વામીશ્રીએ ભક્તિની સાથે જોડી હતી. હા, તેમની તાલીમમાં કેન્દ્રસ્થાને ભગવાન હતા. તેથી જ તો તેઓએ ભક્તિમય આહ્નિકને ક્યારેય ગૌણ પડવા નથી દીધું.
પ્રમુખસ્વામી મહારાજની આ તાલીમ પ્રાપ્ત કરીને સંતો ધર્મ, સંસ્કૃતિ,સમાજ અને રાષ્ટ્રસેવાની ભાવનાને આત્મસાત કરી,ગામડે-ગામડે ફરી જન-જનના હૃદયમાં શ્રદ્ધા જગાડીને વ્યસન-કુટેવોથી દૂર રહેવાની પ્રેરણા આજે આપી રહ્યા છે.