58,200 નવી રોજગારીનું સર્જન થશેઃ રિપોર્ટ
ભારતની સૌથી મોટી કમ્પોસાઇઝ સ્ટાફિંગ કંપની ટીમલીઝ સર્વિસીસે તાજેતરમાં નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે તેમનાં અર્ધવાર્ષિક ‘એમ્પ્લોયમેન્ટ આઉટલૂક રિપોર્ટ’ લોંચ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ, ઉત્પાદન, એન્જિનીયરિંગઅને માળખાગત ક્ષેત્રમાં સંયુક્તપણે વર્તમાન અર્ધવાર્ષિક ગાળામાં 58,200 નવી રોજગારીઓ વધશે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઉદ્યોગોમાં એપ્રિલથી સપ્ટેમ્બર, 2019-20 વચ્ચે ચોખ્ખી રોજગારીમાં વૃદ્ધિની સંભવિતતામાં 2 ટકાનો વધારો જોવા મળશે.
રિપોર્ટનાં તારણો મુજબ, પૂણે 9,150 નવી રોજગારીઓ સાથે યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે અને મુંબઈ 8,940 નવી રોજગારી સાથે બીજું સ્થાન ધરાવે છે, જ્યાં આ ક્ષેત્ર માટે મહત્તમ તકો છે. પછી આ ગાળામાં ત્રીજું સ્થાન ધરાવતાં બેંગલોરમાં 8,015 નવી રોજગારીનું સર્જન થશે. અભ્યાસ મુજબ, આ ક્ષેત્રમાં રોજગારીમાં વૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો થવાથી અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે.
આ તારણો પર ટીમલીઝ સર્વિસીસનાં ઔદ્યોગિક, ઉત્પાદન અને એન્જિનીયરિંગ વર્ટિકલનાં હેડ શ્રી સુદીપ સેને કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2018-19નાં બીજા અર્ધવાર્ષિક ગાળા સુધીમાં ઉત્પાદન, એન્જિનીયરિંગ અને માળખાગત ક્ષેત્ર 6.42કરોડ લોકોને રોજગારી આપતું હતું. ઇલેક્ટ્રોનિક ઉત્પાદનની ઇકોસિસ્ટમમાં વર્ષ 2025 સુધીમાં રોકાણ રૂ. 26 લાખ કરોડને આંબી જશે એવી અપેક્ષા સાથે આ ક્ષેત્રમાં રોજગારીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળશે એવી અપેક્ષા છે. ઉપરાંત આધુનિકરણ અને ઉત્પાદનમાં આઇઆઇઓટી રજૂ થવાથી વર્ષ 2022 સુધીમાં દેશની જીડીપીમાં આ ક્ષેત્રનું પ્રદાન આશરે 25 ટકા થવાની સાથે રોજગારીનાં સર્જનમાં પણ નોંધપાત્ર પ્રદાન કરશે. ઉત્પાદન, એન્જિનીયરિંગ અને માળખાગત ઉદ્યોગોમાં એપ્રિલથી સપ્ટેમ્બર, 2019-20 વચ્ચે રોજગારીમાં 8.02 ટકાનો વધારો પણ જોવા મળશે.”
વિસ્તૃત અભ્યાસમાં સમગ્ર ક્ષેત્રમાં એટ્રિશન ટ્રેન્ડનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટનાં તારણો મુજબ, ઉત્પાદન, એન્જિનીયરિંગ અને માળખાગત ક્ષેત્ર સ્થિર છે, જેમાં ઓક્ટોબરથી માર્ચ, 2017-18થી અત્યાર સુધી એટ્રિશનરેટ 11.5 ટકા સ્થિર છે.
ટીમલીઝ એમ્પ્લોયમેન્ટ આઉટલૂક રિપોર્ટ વિસ્તૃત અભ્યાસ છે, જેમાં રોજગારી અને વ્યવસાયનાં મહત્ત્વપૂર્ણ ટ્રેન્ડ પ્રસ્તુત કરવામાં આવે છે, જે ભારતની સાથે દુનિયાભરમાં આગામી છ મહિનામાં રોજગારીનું સર્જન અને ભરતી પ્રક્રિયા કેવી રહેશે એ દર્શાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રિપોર્ટ કોર્પોરેટ ગૃહો માટે રેફરન્સ મેન્યુઅલ તરીકે કામ કરે છે, જેનો ઉદ્દેશ દેશ અને દુનિયાનાં મુખ્ય શહેરોમાં બજારની હાલની સ્થિતિ સમજવામાં મદદરૂપ થવાનો છે. રિપોર્ટમાં 19 ક્ષેત્રો અને 14 વિસ્તારોમાં કાર્યકારી અને પર્યાવરણલક્ષી પાસાંઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે હાઇરિંગ સેગમેન્ટ્સમાં ઊંડાણપૂર્વકની જાણકારી પ્રદાન કરે છે. એમાં ભારતમાં 775 ઉદ્યોગસાહસો અને દુનિયાભરનાં 85 વ્યવસાયોનો સર્વે કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ રોજગારીની સંભવિતતાનાં ટ્રેન્ડનું મૂલ્યાંકન કરવાનો છે.