એક વર્ષમાં અંદાજીત 6.38 લાખ ઓપરેશન મોતિયાના ગુજરાતમાં થયા
(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોતિયાના ઓપરેશન્સના ૧,૨૬,૩૦૦ના નિર્ધારિત લક્ષ્યાંકના ૫૦૪% એટલે કે ૬,૩૬,૪૨૮ મોતિયાના ઓપરેશન્સ કરીને દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
એટલું જ નહીં, પરંતુ પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૧૦,૦૦૦થી વધુ મોતિયાના ઓપરેશન્સનો દર હાંસલ કરીને ગુજરાત આ શ્રેણીમાં પણ અગ્રણી રાજ્ય રહ્યું છે.
વર્ષ ૨૦૨૩-૨૪ની વાત કરીએ તો, રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન હેઠળ ગુજરાતમાં મોતિયાના ૧,૫૧,૭૦૦ ઓપરેશન્સનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેની સામે ગુજરાતે માત્ર ૮ મહિનાઓમાં જ ૮૧%થી વધુ ઓપરેશન્સ એટલે કે ૧,૨૩,૯૭૫ મોતિયાના ઓપરેશન્સ પૂર્ણ કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૩ વર્ષના લક્ષ્યાંક સાથે મે ૨૦૨૫ સુધીમાં દેશમાં અંધત્વનો દર ૦.૨૫% સુધી ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨માં રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાનની શરૂઆત કરી છે.
કેન્દ્ર સરકારની આ પહેલ હેઠળ ૫૦ વર્ષથી વધુ વયના મોતિયાના કારણે અંધ અથવા તો ઘનિષ્ઠ દ્રષ્ટિખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવે છે. અત્યારસુધીમાં રાજ્યમાં ૧,૨૩,૯૭૫ મોતિયાના ઓપરેશન્સ થયા છે… માત્ર ૮ મહિનાઓમાં નિર્ધારિત લક્ષ્યાંકના ૮૧%થી વધુ મોતિયાના ઓપરેશન્સ ગુજરાતમાં થઈ ચૂક્યા છે.