6 ભૂવાઓની આકરી પુછપરછ કરાતા અનેક ગુનાઓનાં ભેદ ઉકેલાયા
ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા લોકો ને પોતાની વાતોમાં ફસાવી ખોટા નામ ધારણ કરી તાંત્રિક વિધિના નામે ઠગાઇ -વડોદરામાં એકસાથે ૬ ઠગ તાંત્રિકોની ધરપકડ કરાઇ
(એજન્સી) વડોદરા, ગુજરાતીમાં એક પ્રખ્યાત કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે. ત્યારે આ કહેવતને સાર્થક કરતો જ એક કિસ્સો સંસ્કારી નગરી વડોદરાથી સામે આવ્યો છે.
ધૂણી ધૂણી ને લોકોની આંખમાં ધૂળ નાખનારા ભૂવાઓ એક ના ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ભૂવાઓને મારીમારી ને ભૂત બનાવતા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે. કુલ ૬ ઠગ તાંત્રિકોની પોલીસે કરી ધરપકડ
આમ તો એવું પણ કહેવાય છે કે જો શ્રદ્ધા હોય તો પુરાવા ની શી જરૂર? આ કહેવત બોલવા અને સંભાળવામાં ભલે સારી લાગતી હોય પણ હાલના આ આધુનિક યુગ માં આ શક્ય નથી. કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ની એક નાનકડી ભેદ રેખા નહિ સમજી શકનાર વડોદરા ના કેટલાક નિર્દોષ નાગરિકો ને રોવડાવી રહી છે.
વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા લોકો ને પોતાની વાતોમાં ફસાવી ખોટા નામ ધારણ કરી તાંત્રિક વિધિના નામે ઠગાઇ કરતી ટોળકીના ૬ ઠગ ભગતોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યાં છે.
આ ઠગ બાજ ટોળકીના અમુક સભ્યો ખોટું નામ ધારણ કરતા અને તેમના સાગરીતો લોકોને ચૂનો ચોપડવા તેમનો વિશ્વાસ જીતવા જાળ બિછાવતા હતા. ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી ૧૦ રૂપિયાની મોર છાપ વાળી નોટ, ત્રણ આઠડા વાળી નોટ તેમજ માતાજીના ચિત્ર વાળા સિક્કા પર તાંત્રિક વિધિ કરીને એકના ડબલ તેમજ દસ ગણા કરી આપવાની લાલચ આપતા
અને બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તાંત્રિક વિધિનો ઢોંગ કરી નાગરીકો પાસે ડબ્બામાં રૂપિયા મુકાવી લોકોની નજર ચુકવી રૂપિયાવાળો ડબ્બો બદલી તેના બદલે નાળિયેર રાખેલા ડબ્બા નાગરીકોને આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી રૂપિયા પડાવી લેતા હતા.
છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરમાં ઠગ તાંત્રિકો લોકોને પોતાનો શિકાર બનાવતા હોવાની ફરિયાદો ઊઠી હતી. જેથી પોલીસને પણ આ ટોળકી ની તલાશ હતી. જેથી પોલીસે ચોક્કસ બાતમીદારો ને કામે લગાડતા એક મહત્વ પૂર્ણ કડી મળી હતી જેના પોલીસ શહેરના નવલખી મેદાન પોહચી હતી ત્યાં આ ટોળકી દ્વારા ભાગબટાઈ કરવામાં આવી રહી હતી.
પોલીસે ભેજાબાજ ભૂઆઓ ની અંગ જડતી કરતા તેમની પાસેથી ૬,૭૫,૦૦૦ રૂપિયા રોકડા, સોનાની ચેઇન, મોબાઇલ, મોરપીછવાળી ભારતીય ચલણી રૂ. ૧૦ના દરની ચાર નોટ મળી કુલ રૂ. ૮,૫૭,૦૪૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે આ ટોળકી સાથે સંકળાયેલા કુલ છ આરોપી ધરપકડ કરી છે.
આરોપીઓના નામા ઃ ૧ પ્યારેસાબ ઉર્ફે રાજુ રાઠોડ, ૨ કાળુ ઉર્ફે અશોક સોલંકી, ૩ ઈરફાન ઉર્ફે મહેશ દિવાન, ૪ ફિરોઝ ઉર્ફે લાલો સોલંકી, ૫ મકબુલશા દિવાન, ૬ અનવર ગરાસિયા.