શહીદ થયેલા વીર જવાનોના ૬ પરિવારોનું સાણંદ ખાતે સન્માન કરવામાં આવ્યું
અમદાવાદના સાણંદ ખાતે પૂર્વ સૈનિક, સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓનું કલ્યાણ અને પુનઃ વસવાટ માટે વાર્ષિક પરિસંવાદ યોજાયો
નિવૃત્ત સેના મેડલ જે. બી. અંકલેશ્વરિયા અને કર્નલ અંજનીકુમાર સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિ
અમદાવાદના સાણંદ ખાતે પૂર્વ સૈનિક, સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓનું કલ્યાણ અને પુનઃ વસવાટ માટે વાર્ષિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવૃત્ત સેના મેડલ જે.બી. અંકલેશ્વરિયાએ જણાવ્યું હતું કે , આ પરિસંવાદમાં ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી ચલાવાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક એવી કચેરી છે કે જેમાં માજી સૈનિક, પૂર્વ સૈનિક, અને વિધવા બહેનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે અને તેમના નાનામાં નાના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
આ પરિસંવાદમાં કર્નલ અંજનીકુમાર સિંહે માજી સૈનિકોના SPARSH પોર્ટલ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને સૌને અનુરોધ કરતા તેમણે જણાવ્યું હતું કે, એકવાર સૌએ આ કચેરીની મુલાકાત લેવી જોઈએ. તેમણે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી કેવી રીતે કામ કરે છે, તેની વિગતવાર માહિતી આપી હતી.
વર્ષ ૨૦૨૩-૨૪ માં પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓને કુલ રકમ રૂ. ૧૭,૦૮,૨૦૦/- ની સહાય પુરી પાડવામાં આવી છે. જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અમદાવાદ તેના કાર્યક્ષેત્ર હેઠળ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનાં કુલ ૭૬૮૮ પૂર્વ સૈનિકો, સ્વ. સૈનિકોનાં ધર્મપત્નીઓ તથા ૨૨૧૯૦ આશ્રિતોના કલ્યાણની કામગીરી કરી છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શેલ્બી હોસ્પિટલ દ્વારા બેઝિક હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિકાસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પરિસંવાદમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી અધિકારી તેમજ કચેરીના મદદનીશ અધિકારી શ્રી ભરતસિંહ ચાવડા, કચેરી અધિક્ષક શ્રી એન. જી. જાડેજા તેમજ કચેરીના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.