USAથી 6 ગુજરાતી યુવાનોને ડીપોર્ટ કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/student-visa.jpg)
પ્રતિકાત્મક
અમદાવાદ,હજુ સાડા ત્રણ મહિના પહેલા જ કેનેડાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસતા પકડાયેલા ઉત્તર ગુજરાતના છ યુવાનોએ ત્યાં નોકરી ચાલુ કરી દીધી હોવાની માહિતી બહાર આવી છે. આ તમામ છ યુવકોને અમેરિકાની કોર્ટે ડીપોર્ટ કરવાનો ઓર્ડર કર્યો છે.
તેઓ હાલ જેલમાં નથી, પરંતુ તેમના પર નજર રાખવા માટે અમેરિકાની પોલીસે તેમના હાથમાં ઈલેક્ટ્રોનિક ટ્રેકર બાંધ્યું છે. તેમ છતાંય આ યુવાનોએ એક સ્ટોરમાં નોકરી શોધી લીધી છે. ગુજરાત પોલીસને તો એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે જેલમાં ના રહેવું પડે તે માટે તેમણે કાયદાની છટકબારીનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે.
૨૮ એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના આ છ યુવકો કેનેડાથી સેન્ટ રેજિસ નદીમાં બોટમાં સવાર થઈ અમેરિકા આવવા નીકળ્યા હતા. તેઓ ન્યૂયોર્ક સ્ટેટની હદમાં ઘૂસ્યા ત્યારે તેમની બોટ નદીમાં ડૂબવા લાગી હતી. જેનો મેસેજ મળતાં જ સ્થાનિક પોલીસે આ તમામ યુવકોને નદીમાં ડૂબતા બચાવી લીધા હતા.
ત્યારબાદ તમામની ધરપકડ કરીને ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમેરિકાની કોર્ટે તમામને ભારત પાછા મોકલવા માટે ઓર્ડર કર્યો હતો, જાેકે તેમના પ્રત્યે માનવીય અભિગમ દાખવતા ક્રિમિનલ પ્રોસિડિંગમાંથી મુક્તિ આપી હતી.