રાજીવ ગાંધી હત્યામાં નલિની સહિત છ આરોપીને મુક્ત કરવાનો આદેશ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત ૬ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
શુક્રવારે મોટો ચુકાદો આપતો સુપ્રીમ કોર્ટે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ ૬ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ દોષિતોમાં નલિની અને આરપી રવિચંદ્રન પણ સામેલ છે જેમણે રાજીવ ગાંધીની હત્યાનું કાવતરું રચ્યું હતું.
૨૧ મે ૧૯૯૧ના રોજ તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પૂર્વ પીએમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતું. હુમલાની તપાસ બાદ સાત લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
એક આરોપી પેરારીવલનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી જેને પણ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ૧૮ મેના રોજ સુપ્રીમ કોર્ટે પેરારીવલનને જેલમાં તેમના સારા વર્તન માટે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ એલ નાગેશ્વરની બેંચે કલમ ૧૪૨નો ઉપયોગ કરીને આ આદેશ આપ્યો હતો.
રાજીવ ગાંધીની હત્યાના તમામ છ આરોપી પર ચુકાદો સંભળાવતી વખતે, સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે જેલમાં બંધ આરોપીઓ એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્દ્રરાજા અને શ્રીહરન સારા વર્તન માટે જેલમાંથી મુક્ત થયા છે.
જેલમાં તેમની વર્તણૂક સારી હોવાનું જાણવા મળ્યું હતું અને જેલમાં તેમના રોકાણ દરમિયાન આ તમામે વિવિધ ડિગ્રીઓ હાંસલ કરી હતી. આ કેસમાં કુલ ૪૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ૧૨ લોકોના મોત થયા હતા અને ત્રણ ફરાર થઈ ગયા હતા. જ્યારે બાકીના ૨૬ પકડાયા હતા. તેમાં શ્રીલંકન અને ભારતીય નાગરિકો હતા. ફરાર આરોપીઓમાં પ્રભાકરન, પોટ્ટુ ઓમ્માન અને અકિલા સામેલ છે.