600 કરોડના ડ્રગ્સનો સોદો દુબઈમાં સોદો થયો અને પાકિસ્તાનથી મોરબી પહોંચ્યું

(પ્રતિનિધિ) અમદાવાદ, છેલ્લા કેટલાય વર્ષોથી રાજયનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. બીજી તરફ માદક પદાર્થોના વેપલામાં સંડોવાયેલી આંતરરાષ્ટ્રીય ટોળકીઓ પણ ગુજરાત રાજયના દરીયા કિનારાનો ટ્રાન્ઝીટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરી રહી છે
ત્યારે લોકલ પોલીસ સહીતની એજન્સીઓ આવા અસામાજીક તત્વો વિરુધ્ધ ઝુંબેશ માંડીને ટુંક સમયમાં જ કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે ત્યારે ગુજરાત એટીએસની ટીમે વધુ એક વખત ગુપ્ત ઓપરેશન પાર પાડીને મોરબી ખાતેથી રૂપિયા ૬૦૦ કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જેમાં એક દાણચોર પણ સામેલ છે. પાકિસ્તાન સ્થિત કોર્ટલ પાસેથી ગત મહીને આ હેરોઈન મેળવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પટેલને જામનગર તથા ખંભાળીયાના શખ્સોનો માદક પદાર્થનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી જેને આધારે એટીએસની ટીમો મોરબી જીલ્લાના નવલખી પોર્ટ નજીક આવેલા ઝીંઝુડા ગામે રવાના થઈ હતી
અને રવિવારે મોડી રાત્રે ગુપ્ત ઓપરેશન કરી ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે રહેતા સમસુદ્દીન હુસૈનમીયા સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા બની રહેલા મકાનમાંથી ૧ર૦ કિલો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. આરોપીઓ હેરોઈન સગેવગે કરવાની ફિરાકમાં જ હતા.
જાેકે એટીએસની ટીમે છેલ્લી ઘડીએ તેમના મનસુબા ઉપર પાણી ફેરવી દીધુ હતું અને સમસુદ્દીન ઉપરાંત મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમદ રાવ (જાેડીયા, જામનગર) તથા ગુલામ હુસેન ઉમર ભગાડ (સલાયા, જામનગર)ની ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનના જથ્થાની કિંમત રૂપિયા ૬૦૦ કરોડની છે.
પ્રાથમિક પુછપરછમાં આ જથ્થો ગુામ, જબ્બાર તથા ઈસા રાવએ પાકિસ્તાનના ઝહીદ બશીર બલોચ પાસેથી પાકિસ્તાનથી મંગાવ્યો હતો વધુ પુછપરછમાં ઓકટોબર મહીનાના છેલ્લાં અઠવાડીયામાં પાકિસ્તાની કોર્ટલે તેમને મધદરીયે હેરોઈનની ડિલીવરી આપી હતી
જે મેળવીને તેમણે સલાયાના દરીયાકિનારે આવેલી કોઈ અજાણી જગ્યાએ સંતાડી દીધો હતો. બાદમાં ત્યાંથી લઈ ઝીંઝુડા ગામમાં સમસુદ્દીનના ઘરે છુપાવ્યો હતો. આ ડ્રગ મંગાવનાર મુખ્ય શખ્સોમાં સામેલ ઈસા હુસૈન રાવ મુખ્તાર હુસેનના કાકા થાય છે. ઈસા હાલમાં વોન્ટેડ છે જેને ઝડપી લેવા એટીએસએ ચક્રો ગતિમાન કર્યાં છે.
દુબઈમાં સોદો થયો હતો
આરોપી ગુલામ હુસેન તથા જબ્બાર જાેડીયા અવારનવાર દુબઈ ખાતે આવતા જતાં રહે છે જયાં તે પાકિસ્તાની ડ્રગ કાર્ટેલના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંની સોમાલીયા કેન્ટીનમાં મીટીંગ યોજાઈ હતી અને ડ્રગ્સનો સોદો થયો હતો. ડ્રગ ટોળકીને પાકિસ્તાનથી ઝાહિદ બશીર બલોચ નામના શખ્શે ૧ર૦ કિલો હેરોઈન મોકલ્યંુ હતું
આ જ ઝાહિદે વર્ષ ર૦૧૯માં પણ રર૭ કિલો હેરોઈન ગુજરાતમાં મોકલ્યુ હતું જે ગુનામાં તે વોન્ટેડ છે અને આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે. પકડાયેલો મુખ્તાર હુસેન મોટો દાણચોર છે અને વિદેશના કેટલાંય કાર્ટેલ્સસાથે સંપર્કો ધરાવે છે ગયા વર્ષે તેણે પોતાની બોટ પાકિસ્તાનના કરાંચી ખાતે ‘એન્જીનની ખરાબીના કારણોસર’ ડોક કરાવી હતી
ત્યારે પાકિસ્તાન મેરીટાઈમ સીકયુરીટી એજન્સીએ તેની અટક કરી હતી અને ત્રણ દિવસ સુધી પાકિસ્તાનની ખુફીયા એજન્સી આઈએસઆઈ તથા પાકિસ્તાન મેરીટાઈમ સીકયુરીટી એજન્સીએ તેની પુછપરછ કરી હતી. જયારે ગુલામ ભગાડ તાજેતરમાં સલાયા ખાતે મહોર્રમ તાજીયા વખતે થયેલા રાયોટીંગના ગુનામાં પકડાયેલો છે.