Western Times News

Gujarati News

પાટણના સંડેરમાં ૪ર લેઉવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ૬૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

પાટણ, મહેસાણા ને બનાસકાંઠાના પ૩ ગામના ર૦ હજારથી વધુ લોકો ઉમટ્યા

પાટણ, પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે ૪ર લેઉવા પાટીદાર યુવા સંગઠન મંડળ તેમજ ૪ર લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું.

જેમાં ૪ર લેઉવા પાટીદાર સમાજ પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના પ૩ ગામના ૬૧ નવદંપતીઓએ સમાજના રીત રિવાજ મુજબ ૭૦થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

આ સમૂહ લગ્નમાં જોડાનાર તમામ ૬૧ નવદંપતિઓને ર.પ લાખથી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠિઓ દ્વારા આપવામાં આવી હતી. સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના પ૩ ગામોમાં રહેતા ૪ર લેઉવા પાટીદાર સમાજના ૯૦૦૦ પરિવારના અંદાજે ર૦,૦૦૦થી વધુ લોકો આ સમૂહલગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમૂહ લગ્ન પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહેલ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એક અને સંગઠિત છે તેની આ કાર્યક્રમ પ્રતિતિ કરાવે છે. વળી જેને માતા નથી કે પિતા નથી તેવા દીકરા કે દીકરી અને સુખી સંપન્ન સમાજના વ્યક્તિ પણ સમૂહ લગ્નમાં જોડાયા છે એ ખૂબ મોટી બાબત છે.

ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પણ શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશા દરેક કાર્યમાં અગ્રેસર રહ્યો છે ત્યારે સમાજના દરેક કાર્યક્રમો જલસા બંધ રીતે ઉજવવા જોઈએ અને આવા કાર્યક્રમોમાં સમાજના દાતાઓનો પણ સંપૂર્ણ સહયોગ રહેશે તેવી આશા વ્યકત કરી સમાજના સારા કાર્યોમાં નડતરરૂપ ન બનવા પણ તેઓએ અપીલ કરી હતી. ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ પોતાની શુભેચ્છાઓ નવદંપતીઓને પાઠવી હતી.

સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા જુદી જુદી ર૮ જેટલી કમિટીઓના ૮૦૦ સ્વયંમ સેવકોએ જહેમત ઉઠાવી હતી. સમૂહલગ્નમાં જોડાનાર નવયુગલોના ૧પ-૧પ લાખના વીમા ઉતારવા માટે રૂ.૧૮.૬૦ કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પોલિસી પણ લેવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં ૪ર સમાજની પ૯૦ દીકરોઅને સર્વાઈકલ વેકસીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.