62 ટકા ભારતીય પરિવારો માને છે કે, તેમનો ઘરગથ્થું ખર્ચ વધ્યો છેઃ સર્વે
49 ટકા અને 15 ટકા પરિવારો માટે અનુક્રમે આવશ્યક અને બિનજરૂરી ખર્ચમાં વધારો થયો છે-એક્સિસ માય ઇન્ડિયા – સીએસઆઇનું તારણ
મોટા ભાગના 52 ટકા પરિવારો માટે મીડિયાના ઉપભોગમાં કોઈ ફેરફાર થયો નથી, મીડિયા ઉપભોગની નિયમિત આદતો સ્થાયી થઈ છે
81 ટકા પરિવારો અગાઉની જેમ ટૂંકા વેકેશન/મોલ/રેસ્ટોરાંમાં જઈ રહ્યાં છે, 18 વર્ષથી 25 વર્ષની વયજૂથ માટે ઉપભોગમાં વધારો થયો
27 ટકા લોકો ઓટીટી જુએ છે, મોટા ભાગના ઓટીટી દર્શકો 18થી 35 વર્ષની વયજૂથનાં છે, જેઓ હોટસ્ટારને સૌથી વધુ પસંદ કરે છે, ત્યારબાદ એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ સ્થાન ધરાવે છે
મુંબઈ, અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ વિવિધ મુદ્દાઓ પર ઉપભોક્તાઓના વલણનું માસિક વિશ્લેષણ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. નવેમ્બર મહિનાના વિશ્લેષણમાં મોટા ભાગના લોકો માટે ઘરગથ્થું ખર્ચ અને અવરજવરમાં વૃદ્ધિ થઈ હોવાનું તારણ બહાર આવ્યું છે. મોટા ભાગના પરિવારો માટે આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓનો ઉપભોગ વધ્યો છે અથવા એકસરખો જળવાઈ રહ્યો છે
ડિસેમ્બરનો નેટ સીએસઆઇ સ્કોર ગયા મહિનાના +9છી ઘટીને +8 થયો હતો તથા છેલ્લાં 4 મહિનામાં પહેલી વાર નેટ સ્કોરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે તહેવારના ગાળા પછીના સેન્ટિમેન્ટનું પ્રતિબિંબ છે. નેટ સીએસઆઇ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટની ટકાવારીમાં વધારામાંથી ટકાવારીમાં ઘટાડાને બાદબાકી કરીને થાય છે.
સેન્ટિમેન્ટનું વિશ્લેષણ 5 પ્રસ્તુત પેટામાપદંડો પરથી થાય છે – કુલ ઘરગથ્થું ખર્ચ, આવશ્યક અને બિનજરૂરી ચીજવસ્તુઓ પર ખર્ચ, હેલ્થકેર પર ખર્ચ, મીડિયા ઉપભોગની આદતો અને અવરજવર કે પ્રવાસનો ટ્રેન્ડ.
ચાલુ મહિને એક્સિસ માય ઇન્ડિયાનો સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ વિવિધ ઓટીટી પ્લેટફોર્મ, ભાષાની પસંદગીઓની દ્રષ્ટિએ ડિજિટલ ઇકોસિસ્ટમમાં ઉપભોક્તાના ઉપભોગની પેટર્નને પણ વ્યક્ત કરે છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં ઉપભોક્તાઓના ઉત્પાદનો અને રોકાણની વિવેકાધિન પસંદગીઓની દ્રષ્ટિએ તેમના ખર્ચની પેટર્ન પણ પ્રતિબિંબિત થઈ હતી. ઉપરાંત સર્વે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના પ્રદર્શન પર ઉપભોક્તાના અભિપ્રાયોની જાણકારી પણ આપે છે.
સર્વે કમ્પ્યુટરની સહાયથી ટેલીફોનિક ઇન્ટરવ્યૂ મારફતે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 36 રાજ્યોમાં 10552 ઉત્તરદાતાઓના પ્રતિભાવો મેળવવામાં આવ્યાં હતાં. જ્યારે આ ઉપભોક્તાઓમાંથી 64 ટકા ગ્રામીણ ભારતમાંથી, ત્યારે 36 ટકા શહેરી ભારતમાંથી હતાં.
નવેમ્બરના રિપોર્ટ પર એક્સિસ માય ઇન્ડિયાના પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, “વર્ષ પૂરું થવાની નજીક હોવાથી અમે નેટ પ્રમોટર સ્કોરમાં આંશિક ઘટાડા દ્વારા ઉપભોક્તાનું વલણ તબક્કાવાર રીતે સામાન્ય થતું હોવાનું જોવા મળ્યું છે, જે એવું પણ દર્શાવે છે કે, તહેવારના ખર્ચની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે.
જ્યારે મોટા ભાગના ઉત્તરદાતાઓ માટે મીડિયા ઉપભોગ એકસરખો જળવાઈ રહ્યો છે, ત્યારે અમારા સીએસઆઈ સર્વેમાં જાણકારી મળી છે કે, ઉત્તર અને દક્ષિણ ભારતના ઉપભોક્તાઓ ડિજિટલ માધ્યમોમાં પ્રાદેશિક ભાષાઓની કન્ટેન્ટ પસંદ કરે છે.
આ ઉપયોગી જાણકારી વિવિધ સ્થાનિક તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે તેમની બ્રાન્ડ કન્ટેન્ટ અને જાહેરાતોને ક્યાં અને કેવા સ્વરૂપમાં રજૂ કરવી એની તકો પૂરી પાડે છે. ઉપરાંત એક રસપ્રદ તારણ એ બહાર આવ્યું છે કે, આઇપીઓ સાથે ઘણી અદ્યતન ટેક કંપનીઓ બજારમાં કાર્યરત હોવા છતાં ભારતીય ઉપભોક્તાઓ હજુ પણ સ્થાપિત કંપનીઓ અને સરકારી કંપનીના સ્ટોક અને શેરમાં વિશ્વાસ ધરાવે છે, જે FOMOરોકાણની થિયરીના અભિગમથી વિપરીત છે.”
મુખ્ય તારણો:
· 62 ટકા પરિવારો માટે કુલ ઘરગથ્થું ખર્ચ વધ્યો છે, જે ગયા મહિનાથી 1 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ વધારા ઉત્તર ભારતમાં મુખ્યત્વે જોવા મળ્યો હતો
· પર્સનલ કેર અને ઘરગથ્થું ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચમાં વધારો ભારતના ઉત્તર અને દક્ષિણ એમ બંનેમાં 49 ટકાનો વધારો દર્શાવે છે. ગયા મહિનાનો નેટ સ્કોર +27 આ મહિને જળવાઈ રહ્યો હતો. ગયા મહિના જેટલો જ ઉપભોગ કરનાર પરિવારોની ટકાવારીમાં ગયા મહિનાની ટકાવારીથી 2 ટકાનો વધારો થયો હતો.
· 15 ટકા પરિવારો માટે એસી, કાર, રેફ્રિજરેટર જેવા બિનજરૂરી અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ વધ્યો છે. ગયા મહિનાની સરખામણીમાં બિનજરૂરી ખર્ચમાં વધારો 3 ટકા ઘટ્યો છે. એટલે નેટ સ્કોર ઘટીને +6 થયો હતો, જે ગયા મહિને +9 હતો. જોકે ખર્ચમાં વધારો ભારતના ઉત્તર અને પૂર્વવિસ્તારોમાં જોવા મળ્યો છે.
· 42 ટકા પરિવારો માટે આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓ પર ઉપભોગ વધ્યો છે, જે છેલ્લાં ત્રણ મહિનામાં સૌથી ઓછી ટકાવારીનું પ્રતિનિધિત્વ કરે છે. હેલ્થ સ્કોરનું નેટ સ્કોર વેલ્યુ -25 છે. હેલ્થ સ્કોર નેગેટિવ કોનોટેશન ધરાવે છે એટલે કે આરોગ્યલક્ષી ચીજવસ્તુઓ પર ઓછો ખર્ચ સેન્ટિમેન્ટ વધારે સારું હોવાનું જણાવે છે.
· મોટા ભાગના 52 ટકા પરિવારો માટે મીડિયાનો ઉપભોગ એકસરખો જળવાઈ રહ્યો છે, જે છેલ્લાં ચાર મહિનાથી સૌથી ઊંચી ટકાવારીનું પ્રતિબિંબ છે અને મુખ્યત્વે દક્ષિણ ભારતનું વલણ દર્શાવે છે. 22 ટકા પરિવાર માટે ઉપભોગ વધ્યો હતો, જે મુખ્યત્વે પૂર્વ અને ઉત્તરમાં જોવા મળ્યો છે તેમજ મુખ્યત્વે 18થી 25 વર્ષની વયૂજથ અને 26 વર્ષથી 35 વર્ષની વયજૂથ વચ્ચે જોવા મળ્યો છે. ચાલુ મહિને કુલ નેટ સ્કોર -4 છે, જે ગયા મહિના માટે -2 હતો.
· 81 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ ગયા મહિની સરખામણીમાં ટૂંકા વેકેશન, મોલ અને રેસ્ટોરાંમાં જઈ રહ્યાં છે. આ ઓગસ્ટમાં 78 ટકાથી અવરજવરમાં સાતત્યપૂર્ણ વધારાનું પ્રતિબિંબ છે, જે નવેમ્બરમાં 3 ટકા વધી છે. અવરજવરમાં વૃદ્ધિ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળી છે અને ઉત્તરમાં સૌથી ઓછી જોવા મળી છે. વળી અવરજવરમાં વૃદ્ધિ મુખ્યત્વે 18 વર્ષથી 25 વર્ષની વયજૂથ વચ્ચે જોવા મળી છે. સંપૂર્ણ મોબિલિટી સ્કોર -5 છે.
હાલ રાષ્ટ્રીય રસના મુદ્દાઓ પર:
· એક્સિસ માય ઇન્ડિયાએ ઉપભોક્તાના તેમના ડિજિટલ અભિગમ પર સેન્ટિમેન્ટનો તાગ મેળવ્યો હતો. કુલ 27 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ હિંદી અને અય પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે,
ત્યારે 24 ટકાએ અંગ્રેજી ભાષાની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પસંદ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત એવી જાણકારી પણ મળી હતી કે, દક્ષિણ ભારતમાં રહેતી 31 ટકા વસ્તી અંગ્રેજી ભાષામાં વિવિધ એપ અને વેબસાઇટને પસંદ કરે છે, તો ઉત્તર ભારતના લોકો હિંદી આધારિત એપ અને નેટવર્કને પસંદ કરે છે.
ઉપરાંત દક્ષિણ ભારતમાં 34 ટકા લોકો પ્રાદેશિક ભાષા આધારિત વિવિધ એપ અને સાઇટને પસંદ કરે છે. વળી એવી જાણકારી પણ મળી હતી કે, 18થી 25 વર્ષની વયજૂથના મોટા ભાગના યુવાનો (60 ટકા) અંગ્રેજીમાં ડિજિટલ સંવાદ પસંદ કરે છે, તો 51 વર્ષથી વધારે વયના લોકો હિંદી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં સંવાદ પસંદ કરે છે.
· જ્યારે તેમને તેઓ ઓટીટી કે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટ જોવા સમય ફાળવે છે કે નહીં એવું પૂછવામાં આવ્યું હતું, ત્યારે ફક્ત 27 ટકાએ હા પાડી હતી, તો 73 ટકાએ અન્ય અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જે ઓટીટી અને વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સની પહોંચનો અવકાશ પ્રદર્શિત કરે છે. મોટા ભાગના દર્શકો 18થી 35 વર્ષની વયજૂથના છે. ઓટીટી કન્ટેન્ટ પસંદ કરતા લોકોમાંથી મોટા ભાગના ઉત્તરદાતાઓની પ્રથમ પસંદગી હોટસ્ટાર હતી અને ત્યારબાદ એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ હતી.
· સ્ટોક અને શેરમાં રોકાણની પસંદગીની દ્રષ્ટિએ 17 ટકા અને 12 ટકા ઉત્તરદાતાઓએ અનુક્રમે ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ પસંદ કરી હતી. ફક્ત 1 ટકાએ જણાવ્યું હતું કે, તેઓ આઇપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, જે નવી પેઢીના આઇપીઓ સાથે સંબંધિત ઉન્માદથી વિપરીત છે.
· ઉપભોક્તાના ઉપભોગના સંબંધમાં એક્સિસ માય ઇન્ડિયાના સર્વેમાં જાણકારી મળી હતી કે, ફક્ત 7 ટકાએ આ મહિને એસી, ટીવી, ફ્રીજ વગેરે વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ કર્યો હતો. તેમાંથી 34 ટકાએ 2-વ્હીલર ખરીદવાનો દાવો કર્યો હતો, તો સમૃદ્ધ 21 ટકા, 18 ટકા અને 9 ટકાએ અનુક્રમે ટેલીવિઝન, ફ્રીજ અને કાર પર ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો હતો.
· ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઇન્ડિયાના સરેરાશ પ્રદર્શન સાથે સંબંધિત અભિપ્રાયો પર સર્વેમાં જાણકારી મળી હતી કે, આઇસીસી ટી20 વર્લ્ડ કપ જોનાર દર્શકોમાંથી 48 ટકાનું માનવું છે કે, ટીમ ઇન્ડિયાના પ્રદર્શન માટે ટીમની પસંદગી જવાબદારી હતી, તો 23 ટકાનું માનવું છે કે, ટીમનાં સરેરાશ પ્રદર્શન માટે ખેલાડીઓનો થાક જવાબદાર હતો.