Western Times News

Gujarati News

ભરૂચ જિલ્લામાં સાંજે ૪ વાગ્યા સુધીમાં ૬૩.૦૮ ટકા મતદાન થયું

voting rights for 18 year old

ભરૂચ, ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં સાંજે ૪ વાગ્યા સુધીમાં ૬૩.૦૮ ટકા મતદાન થયું છે. અંકલેશ્વરમાં ૫૯.૪૩ ટકા, ભરૂચમાં ૫૪.૩૫ ટકા મતદાન, જંબુસર ૬૧.૮૩ ટકા, ઝઘડીયામાં ૭૭.૬૫ ટકા અને વાગરામાં ૬૩.૧૦ ટકા મતદાન થયું છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ૭૦ કિન્નરો પણ મતદાર તરીકે નોંધાયેલા છે.

બપોરે એક વાગ્યા સુધીમાં ૭૦ માંથી ૭ કિન્નરોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચમાં મતદાન કર્યા બાદ કિન્નર કોકિલકોર નાયકે જણાવ્યું હતું કે, વોટ એવા વ્યક્તિને આપજાે જે ભરૂચનો વિકાસ કરે, અને ગરીબોની વ્હારે આવે. ચૂંટણીમાં મત માંગવા તો બધા આવે છે. પણ ત્યાર પછી ૫ વર્ષ સુધી કોઈ દેખાતું નથી. એટલે અન્ય મતદારોને અપીલ કરી હતી કે, તમારો મત એવા વ્યક્તિને આપજાે જે ભરૂચનો વિકાસ કરે અને ગરીબોના કામ કરે.

ગુજરાતના યોગી તરીકે જાણીતા ભરૂચની જંબુસર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીએ નાહીયેર ખાતે સંતોની ફોજ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ભાજપે ભરૂચ જિલ્લાની આમોદ-જંબુસર વિધાનસભા બેઠક પર સ્વામી નારાયણ સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામીને આ વખત ટિકિટ આપતા જ તેઓ ગુજરાતના યોગી તરીકે ચર્ચામાં આવ્યા હતા. તેઓ યોગી અને મોદીને પોતાના આદર્શ ગણતા હોવાથી આજે પ્રથમ તબક્કામાં મતદાનમાં ડી.કે.સ્વામીએ જંબુસર વિધાનસભાની બેઠકમાં નાહીયેર પોલિંગ બુથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. ડી.કે.સ્વામીએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના ૨૧૨ જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કરી રહ્યાં છે. પાણીથી ઘેરાયેલા ટાપુ ઉપર પ્રથમ વખત શીપીંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. ચોતરફ નર્મદાના પાણીથી ઘેરાયેલા આલીયા બેટ પર વર્ષોથી કબીલાવાસીઓ વસે છે. અહીં વસતા ૬૦૦થી વધુ લોકોની વસ્તી ધરાવતાં આ ટાપુમાં ૨૧૨ જેટલા મતદારો છે. જેમના માટે અત્યાર સુધી ક્યારેય ચૂંટણી સમયે કોઈ વિશેષ વ્યવસ્થા કરાતી ન હતી. મતદાન માટે ૮૨ કિ.મી. દૂર જવું પડતું હતું. જે માટે વિશેષ બસની વ્યવસ્થા કરાતી હતી.

આઝાદીના ૭૫ વર્ષ બાદ પ્રથમ આલિયાબેટ ખાતે વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથક ઊભું કરવાનું આયોજન કરાયું છે. આ વખતે પ્રથમ વખત અહીં શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જેની કેન્દ્રીય ચૂંટણી પંચે પણ નોંધ લીધી હતી. આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરમાં જત જાતિના મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.