ઈલેક્ટોરલ બોન્ડમાંથી કોંગ્રેસને મળનારી રકમમાં ૬૩ ટકાનો ઘટાડો
ભાજપને ૨૦૨૨-૨૩માં ૨૩૬૧ કરોડની આવક-રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને માહિતી અપાઈ
નવી દિલ્હી, રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી આવક અને ખર્ચની વિગતો મુજબ ભાજપને મળતા દાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને ૨૦૨૧-૨૨ની સરખામણીમાં ૨૦૨૨-૨૩માં ૨૩ ટકા વધુ દાન મળ્યું છે.
જેમાં તેને કુલ રૂ. ૨૩૬૧ કરોડની આવકમાંથી ૫૪ ટકા રકમ ચૂંટણી બોન્ડમાંથી મળી હતી. જો ખર્ચની વાત કરીએ તો તેમાં પણ જબરદસ્ત વધારો થયો છે. ભાજપે ૧૩૬૧ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જે ગયા વર્ષ કરતા ૫૯ ટકા વધુ છે. પાર્ટીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર ભાજપે પ્રચાર પર ૮૪૪ કરોડ રૂપિયા અને પ્રવાસ પર ૧૩૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
અહેવાલ અનુસાર, ભાજપને એક વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડથી ૧૨૯૪ કરોડ રૂપિયા મળ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં ૨૫ ટકા વધુ છે. આ સિવાય વ્યક્તિગત દાન, કોર્પોરેટ અને ઈલેક્ટોરલ ટ્રસ્ટ પર મળતી રકમમાં ઘટાડો થયો હતો. ભાજપની આ આવક ૭૨૧.૭ કરોડથી ઘટીને ૬૪૮ કરોડ થઇ ગઇ છે. આ સિવાય પાર્ટીને લાઈફ ટાઈમ સપોર્ટ ફંડથી ઘણો ફાયદો થયો છે. જેમાં અંદાજે ૯ ગણો વધારો થયો છે.
ખર્ચની વાત કરીએ તો ભાજપે ૨૦૨૨-૨૩માં બજેટનો ૮૦ ટકા હિસ્સો ચૂંટણી અને સામાન્ય પ્રોપોગેન્ડા પર ખર્ચ કર્યો છે. તેમાં અંદાજે ૧૦૯૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ૨૦૨૧-૨૨ની સરખામણીમાં લગભગ બમણી રકમ છે. જેમાં ૮૪૪ કરોડ રૂપિયા પ્રચાર પાછળ અને ૧૩૨ કરોડ રૂપિયા પ્રવાસ પર ખર્ચવામાં આવ્યા હતા. કોંગ્રેસની વાત કરીએ તો તેને મળતા દાનમાં ઘટાડો થયો છે, જ્યારે ખર્ચમાં વધારો થયો છે.
પાર્ટીની હાલત એવી છે કે આવક ઓછી અને ખર્ચ વધુ એટલે કે આમદની અઠન્ની ઔર ખર્ચા રૂપૈયા. એક વર્ષ અગાઉની સરખામણીમાં ૨૦૨૨-૨૩માં ઘટાડો જોવા મળ્યો હતો. કોંગ્રેસને ૨૦૨૧-૨૨માં ૫૪૧ કરોડ રૂપિયા મળ્યા હતા, જે ૨૦૨૩-૨૪માં ઘટીને ૪૫૨ કરોડ રૂપિયા થઈ ગયા હતા. ખર્ચની વાત કરીએ તો એક વર્ષમાં તે ૪૦૦ કરોડ રૂપિયાથી વધીને ૪૬૭ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ રીતે પાર્ટીનો ખર્ચ આવકને વટાવી ગયો છે.
ઈલેક્ટોરલ બોન્ડમાંથી કોંગ્રેસને મળનારી રકમમાં ૬૩ ટકાનો ઘટાડો થયો છે. પાર્ટીને તેની કુલ આવકના ૩૮ ટકા બોન્ડ્સમાંથી મળ્યા હતા. જે માત્ર રૂ. ૨૩૬ કરોડ જેટલા થાય છે. અન્ય પક્ષોની વાત કરીએ તો ગયા વર્ષે આમ આદમી પાર્ટીને ૮૫.૧ કરોડ રૂપિયા, સીપીએમને ૧૪૧.૬ કરોડ રૂપિયા અને એનપીપીને ૭.૫ કરોડ રૂપિયા મળ્યા હતા.