ગુજરાતમાં નવેમ્બર સુધીમાં 63 સરકારી સ્કુલો સ્માર્ટ બનશે
કુલ ૨૦ અનુપમ શાળાઓ તૈયાર થઈ ગઈ છે તેમજ વધુ ૬૩ શાળાઓ નવેમ્બર સુધી શરૂ કરાશે. આવનારા દિવસોમાં અંદાજે ૧.૫ લાખ બાળકોને અનુપમ શાળાઓનો લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.
આમ, કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી અમદાવાદ અને ગાંધીનગરના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તાસભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ એવું વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત પાસે છે. જેના દ્વારા શિક્ષણ ક્ષેત્રે રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરી શકાય છે. આ સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી ૫૦૦ કરોડ જેટલા ડેટા સેટ્સનું મીનિંગફૂલ એનાલિસિસ કરવામાં આવે છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. આ વર્ષે અમદાવાદમાં ૫૯૦૦ બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં ૪૧ હજાર થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી અમદાવાદની સરકારી સ્કૂલમાં આવ્યા છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.