પેટલાદમાં ઉભરાતી ગટરોની ૬૩૧ ફરિયાદો
બે મહિનાથી પ્રજાજનો ત્રાહિમામ : પાલિકાનો વહીવટ ખાડે ગયો
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ શહેરમાં છેલ્લા બે મહિનાથી ઠેર ઠેર ઉભરાતી ગટરોને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. બે મહિનામાં પાલિકાના ગટર વિભાગમાં ૬૩૧ જેટલી ફરિયાદો લેખિતમાં નોંધાઈ છે. જે પૈકી મોટા ભાગની અરજીઓ ઉભરાતી ગટર સંદર્ભની છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવવાના કારણે રસ્તા ઉપર ગંદુ પાણી ફેલાય છે. કેટલાક વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ મારી રહી છે. જેને કારણે સ્થાનિક નગરજનોને રોગચાળાની દહેશત સતાવી રહી છે. છતાં પાલિકા દ્ધારા કોઈ જ યોગ્ય કે સંતોષકારક ઉકેલ નહિ આવતો હોવાનું જાણવા મળે છે. જેને કારણે પાલિકાનો વહિવટ ખાડે ગયો હોવાની વાતનો ગણગણાટ નગરજનોમાં વધી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં ગટર કનેક્શન વર્ષોથી કાર્યરત છે. શહેરના ગટર વિભાગને ત્રણ ઝોનમાં વિભાજીત કરેલ છે. જેમાં આશરે ૮૦૬૧ જેટલા ગટર કનેક્શન આપેલ છે. નગરજનોને ગટરની સુવિધા માટે જુદા જુદા આઠ વિસ્તારોમાં પંપીંગ સ્ટેશનો સમયાંતરે ઉભા કરવામાં આવ્યા છે. આ સુવિધા પાછળ પાલિકાને દર વર્ષે એસ્ટાબ્લિશમેન્ટ, બળતણ, મેઈન્ટેનન્સ વગેરે પાછળ લગભગ રૂ.૫૦ લાખ જેટલો ખર્ચ થાય છે.
છતાં નગરજનોને સંતોષકારક સુવિધા મળતી નથી. તેમાંય છેલ્લા બે મહિના દરમ્યાન શહેરના કલાલ પીપળ, તાઈવાડા, ભોલુવાડ, ગારીયાપીર ચોકડી, મિલ્લતનગર, જુનું અરજન ફળીયુ, મોટી બ્રહ્મપોળ, કસ્બો, વિષ્ણુપુરા, ધોબીકુઈ, મલાવ ભાગોળ, તપન હોસ્પિટલથી કોલેજ ચોકડી સુધીના વિસ્તારો વગેરેમાં ગટરો ઉભરાવાની સૌથી વધુ ઘટનાઓ બનવા પામી છે. ગત જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન પાલિકાના ગટર વિભાગને ૬૩૧ જેટલી લેખિત ફરિયાદો મળી છે.
જેમા મુખ્યત્વે ઉભરાતી ગટરો, ડેમેજ થયેલ ગટર લાઈન, ગટર અને પીવાના પાણીની પાઈપ લાઈનો લીકેજ, ગટરનુ બેસી જવું, ગટરના ઢાંકણા બદલવા વગેરે જેવી ફરિયાદો મળેલ છે. આ ફરિયાદોને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ઉભરાતી ગટરોને કારણે પ્રભાવિત વિસ્તારોના નગરજનોમાં આરોગ્ય સંદર્ભના પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે. બીજી તરફ પાલિકા દ્ધારા કોઈજ નક્કર પગલાં કે કામગીરી કરવામાં નહિ આવતી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.