65 વર્ષીય વૃધ્ધે ૬૫ દિવસ સારવાર હેઠળ રહી કોરોનાને મ્હાત આપી

પ્રતિકાત્મક
સિવિલ હોસ્પિટલના તબીબોની ગમે તે ભોગે જીવ બચાવવાની કટિબધ્ધતા એ હકારાત્મક પરિણામ અપાવ્યુ
કોરોનાગ્રસ્ત ૬૫ વર્ષીય વૃધ્ધાએ ૬૫ દિવસ સુધી કોરોના સામે ઝઝૂમી જેમાં ૨૦ દિવસ વેન્ટીલેટર પર રહીને સિવિલ હોસ્પિટલના તબીબોની સેવા-શુશ્રુષા, સિવિલના નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની કટિબધ્ધતા અને દર્દીની સકારાત્મકતાના કારણે આજે વિજય હાંસલ કર્યો.!
![]() |
![]() |
અમદાવાદના વિરમગામ તાલુકા ૬૫ વર્ષીય આઝમભાઇ(નામ બદલેલ છે) ૪ થી જુલાઇએ વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટ કરાવવા ગયા હતા. જેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો. ડાયાબીટીસની તકલીફ સાથેની કોમોર્બીટી હોવાના કારણે અને SPO૨ ૮૨ આવતા સ્વાસ્થય સ્થિતિની ગંભીરતા સમજી અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફીસર દ્વારા તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તાવ, ખાંસી, શારિરિક નબળાઇ અને શ્વાસ લેવામાં પડતી તકલીફને કારણે કોરોનાના લક્ષણો ગંભીર જણાઇ આવ્યા.લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી ઓક્સિજન પર રાખવામાં આવ્યા છતા પણ સ્થિતિ બગડતા તેઓને ૨૦ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવા પડ્યા . વેન્ટીલેટરની સારવાર મેળવ્યા બાદ સ્થિતિ સુધરતા તેઓને બાયપેપ મશીન પર સારવાર હેઠળ રાખવામાં આવ્યા.
૬૫ વર્ષીય આઝમભાઇ ના જોમ , જુસ્સા અને ગમે તે મુશકેલ પરિસ્થિતિમાં હાર ન માનવાની હિંમત અને સિવિલ હોસ્પિટલના તબીબોની ગમે તે ભોગે દર્દીનો જીવ બચાવવાની કટિબધ્ધતાના કારણે આખરે હકારાત્મક પરિણામ મળ્યુ. ૬૫ દિવસ કોરોનાની સારવાર લીધા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઇને આઝમભાઇ પોતાના માદરે વતન વીરમગામ પરત ફર્યા હતા.
આઝમભાઇ કહે છે કે કોરોનાગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં આવ્યો ત્યારે એક મહિના સતત સારવાર લીધા બાદ પણ વાયરસની સંવેદનશીલતા ઘટી ન હતી. એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે મેં પોતે પણ જીવવાની આશા પડતી મૂકી દીધી હતી.પરંતુ હોસ્પિટલના કાઉન્સેલર સતત મારૂ કાઉન્સેલીંગ કરતા રહ્યા. વેન્ટીલેટર પર હતો ત્યારે શું થઇ રહ્યુ છે , કઇ રીતની સારવાર શરૂ છે તેનો કઇ જ ખ્યાલ ન હતો પરંતુ એટલું જરૂર દેખાતુ હતુ કે દિવસ રાત તબીબો અને નર્સિંગ સ્ટાફ મારા જીવને બચાવવા મને કોરોનામુક્ત કરવા મથતા રહેતા હતા.
સિવિલ હોસ્પિટલમાં મને ખૂબ જ શ્રેષ્ઠ સારવાર મળી, સારવારમાં કોઇપણ જાતની કચાસ રાખી હોય તેવું મને આ ૬૫ દિવસમાં અનુભવાયુ નથી. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સ્વચ્છતા ખૂબ જ સરસ હતી. સતત નર્સિગ સ્ટાફની દેખરેખ અને પેશન્ટ અટેન્ડેન્ટની સેવા-શુશ્રુષા ના કારણે મને તબીબી સારવારમાં કોઇ પણ જાતની તકલીફ પડી નથી.
આજે વિરમગામ વોરવાડ ખાતે અર્બન હેલ્થ સેન્ટર વિરમગામની ટીમ દ્વારા આઝમભાઇની મુલાકાત લેવામાં આવી હતી. તેમના ખબર અંતર ની પૃચ્છા કરીને શારીરીક સ્થિતિ સ્વસ્થ હોવાની ખરાઇ કરવામાં આવી હતી.આજે મુલાકાત ની વેળાએ આઝમભાઇએ સમગ્ર જિલ્લા આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સહકારથી સંતોષ વ્યક્ત કર્યો હતો.