સુરત શહેરમાં ૬૫ ફૂટ ઊંચા રાવણનું કરવામાં આવશે દહન
સુરત, નવરાત્રી હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે સુરતમાં દશેરાની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ તેમ નવરાત્રીના પછીના દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે અસત્ય પર સત્યનો વિજયનો દિવસ.
સુરત સહીત દેશભરમાં આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. ત્યારે સુરતમાં પણ આ વખતે વેસુ ખાતે થવા જઈ રહેલા રાવણ દહનના કાર્યક્રમ માટે ૬૫ ફૂટ ઊંચા રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. અને તેને તૈયાર કરવા માટે ઉત્તરપ્રદેશથી મુસ્લિમ કારીગરો આવ્યા છે.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રામલીલા મેદાનમાં દર વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. ત્યારે આ વખતે પણ તેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. મોટાભાગે રાવણના પૂતળાને બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે.
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયને મનાવવા માટે રાવણનું દહન દર વર્ષે કરવામાં આવે છે. કોરોનાના બે વર્ષ પછી સુરતમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. જેના માટે રાવણનું ૬૫ ફૂટ ઊંચું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ પૂતળું તૈયાર કરનાર તમામ કારીગરો મુસ્લિમ છે.
છેલ્લા ૪૦ દિવસની મહેનત બાદ આ પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે ૩૫ વર્ષ કરતા પણ વધારે સમયથી તેમને આ ઓર્ડર મળતો આવ્યો છે. તેઓ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દશેરાના પર્વ પર રાવણને તૈયાર કરવા ઉત્તરપ્રદેશથી સુરત આવે છે.
રામ મંડળી દ્વારા આ વર્ષે વેસુ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં રાવણ દહનની સાથે ભવ્ય આતશબાજી પણ જાેવા મળશે. જેના માટે રાવણમાં સુતળી બૉમ્બ, કોઠી, રોકેટ અને અન્ય ફટાકડા ફિટ કરવામાં આવ્યા છે. રાવણના પૂતળા બનાવવા માટે કાગળ, વાંસ સહીત ની સામગ્રીઓ વાપરવામાં આવી છે.
નોંધનીય છે કે આ વર્ષે દરેક તહેવારોની રોનક પાછી ફરી છે ત્યારે અસત્ય પર સત્યના વિજયને મનાવવા માટે શહેરીજનો પણ આતુર દેખાઈ રહ્યા છે. અને મોટી સંખ્યામાં આ વર્ષે પણ લોકો રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા માટે આવે તેવી સંભાવના છે. જેની તૈયારીઓ હમણાંથી જ શરૂ કરી દેવામાં આવી છે.SS1MS