સોનામાં ઉંચા વળતરની લાલચ આપી 65 લાખની ઠગાઈ
સુરત, શહેરના મોરા ભાગળ વિસ્તારમાં રહેતા અને ટ્રેનિંગ કન્સલ્ટન્સીનું કામકાજ કરતા આધેડને ઠગબાજ ઇસમ ભટકાયો હતો. મેટલ ગોલ્ડ ઓપરેશન તરીકે ઓળખ આપી ભેજાબાજે ગોલ્ડમાં રોકાણ કરવાને બહાને રૂપિયા ૬૫.૫૫ લાખ પડાવી લીધા હતા.
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર મોરાભાગળ પાસે રહેતા ભાવેશ વિઠ્ઠલભાઈ પટેલ ટેકનિકલ ટ્રેનિંગને લાગતા કન્સલટન્સી સર્વિસીસનું કામ કરે છે. ભાવેશભાઈ કોર્પાેરેટર કંપનીના અધિકારી કર્મચારીઓને ટેકનિકલ ટ્રેનીંગ આપે છે ડિસેમ્બર ૨૦૨૨માં તેમના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો.
મેરેજ કરનારે પોતાની ઓળખ મેટલ ગોલ્ડ કંપનીમાંથી હેડ ઓફ ગોલ્ડ ઓપરેશન એશાલી એન્ડરશન તરીકે આપી હતી. તેઓ હાલમાં સિંગાપોર ખાતે રહે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વોટ્સએપ ચેટિંગ દ્વારા તેમજ ફોન દ્વારા વાતો થતી હતી.
ભાવેશને વિશ્વાસમાં લીધા બાદ ભેજાબાજ એશલી એન્ડરશનએ તેને માસિક આવક પૂછતા ભાવેશ યુએસડી રૂપિયા ૨૦ હજાર જણાવી હતી. એશલીએ પોતે ગોલ્ડ એક્સચેન્જરમાં ગોલ્ડ એનાલિસ્ટ છું અને ગોલ્ડ ટ્રેડિંગનું કામકાજ કરું છું. જાે તમે ગોલ્ડ લેશો તો ફાયદો થશે કહી વિશ્વાસમાં લીધા હતા.
ભાવેશ ગોલ્ડમાં રોકાણ કરવા તૈયાર થતા શરૂઆતમાં રૂપિયા ૫૦ હજાર રોકાણ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૬૫.૫૫ લાખનું રોકાણ કર્યું હતું.
બાદમાં ભાવેશભાઈએ અમુક રૂપિયા ઉપાડવા માટેની રિકવેસ્ટ નાંખતા એશલી એન્ડરશનને ટેકનિકલ સમસ્યા તથા સરકાર સાથે ટેક્સ બાબતે પડતી મુશ્કેલીઓનું કારણ જણાવી પૈસા પરત ન આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ભાવેશની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.