ખાનગી એજન્સીઓના 37 કર્મચારીઓને AMCએ ખોટી રીતે 66 લાખનું પેમેન્ટ ચુકવ્યું
અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ નિયમ વિરૂધ્ધ આઉટ સોર્સિંગ કરી વર્ષે રૂ.૬૬ લાખનું નુકસાન કર્યું
(પ્રતિનિધિ) અમદાવાદ, કેન્દ્ર સરકારની આયુષ્યમાન, મા વાત્સલ્ય, પીએમજેવાય, યોજના માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલ સ્ટાફ અને ચુકવવમાં આવતા કોન્ટ્રાકટ અંગે ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે બજેટ ચર્ચા દરમિયાન પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન તરીકે રજુઆત કરી હતી જેના જવાબમાં તંત્રનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું હતું.
ગોમતીપુરના કોંગી કોર્પોરેટર ઈકબાલ શેખે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આયુષ્યમાન યોજના, મા યોજના, મા વાત્સલ્ય યોજના, પીએમજેવાય યોજના માટે સરકાર દ્વારા સેન્ટ્રલ ગર્વમેન્ટની એફીલેટેડ રાયટર બિઝનેસ સંસ્થા દ્વારા એલ.જી.માં ચાર, શારદાબેનમાં ત્રણ અને એસવીપીમાં ૩ કર્મચારીઓની ફાળવણી કરી છે તેની સેલેરી પણ આ સંસ્થા દ્વારા જ આપવામાં આવે છે
તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એમ.જે. એજન્સીનું આઉટર્સોસિંગ દ્વારા એલ.જી.માં ૪, શારદાબેનમાં ૩, અને એસવીપીમાં ક્રઈસ સંસ્થા દ્વારા ૩૦ કર્મચારીઓને રાખવામાં આવ્યા છે જેના પેમેન્ટની ચુકવણી કોર્પોરેશન દ્વારા થાય છે આમ કુલ ૩૭ કર્મચારીઓને માસિક ૧પ હજાર લેખે દર વર્ષે ૬૬ લાખ ૬૦ હજાર ચુકવાય છે જેના કારણે તંત્રની તિજોરીને નુકસાન થઈ રહયું છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ ખાનગી એજન્સીઓના ૩૭ કર્મચારીઓને જે ખોટી રીતે પેમેન્ટ આપવામાં આવે છે તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.