સુરતમાં વિન્ડ અને સોલાર પાવર થકી વર્ષે 69 કરોડની વીજબચત
સુરત, પાલિકાએ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી વીજ બચત માટે વિવિધ પ્રયાસો કરતા વર્ષ રૂા.૬૮.૭૭ કરોડની વીજબચત હાંસલ કરી છે. વિન્ડ પાવર, સોલાર પાવર અને બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટ થકી પાલિકાએ વર્ષે ૯.૩૩ કરોડની વીજયુનીટનું ઉત્પાદન કર્યું છે.
આ વીજ ઉત્પાદન થકી પાલિકાને દર વર્ષ રૂા.૬૮.૭૭ કરોડની આવક થઇ છે. પાલિકાએ વીજળીનો વપરાશ અને વીજળીનું બીલ ઘટાડવા માટે ૨૦૦૧થી પ્રયાસો હાથ ધર્યા છે. પાલિકાના વિવિધ પ્રકલ્પો જેવા કે પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ સહિતના કામોમાં વીજળીનો વપરાશ ઘટે તે માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.
પાણી પુરવઠાની સુવિધા માટે વોટર ટ્રાન્સમીશન રુટ્સનું એન્જીનિયરીંગ કરી વર્ષે રૂા.૪.૨૫ કરોડની વીજબચત કરવામાં આવી છે. પાણી પુરવઠાની સુવિધા માટે બિનકાર્યક્ષમ પંપીગ અને અન્ય ઉપકરણોના સ્થાને કાર્યક્ષમ ઉપકરણો સ્થાપિત કરી વર્ષે રૂા.૫.૭૩ કરોડની વીજબચત થઇ રહી છે.
વીજ ખર્ચમાં ઘટાડો કરવા માટે ૨૦૦૩થી બાયોગેસ પાવર પ્લાન્ટનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે. નવેમ્બર ૨૦૧૦માં પોરબંદર જીલ્લાના અડોદર ખાતે ત્રણ મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો, ત્યારબાદ તબક્કાવાર વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
૨૦૧૩માં સાયન્સ સેન્ટર ખાતે ૧૦૦ કિલોવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. હાલમાં ૫.૨૫ મેગાવોટ ક્ષમતાના બાયોગેસ પાવર પ્લાન્ટ, ૩૮.૭ મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્લાન્ટ તથા ૭ મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત છે.
૨૦૨૨-૨૩માં વિન્ડ પાવર પ્લાન્ટ થકી ૭.૯૧ કરોડ વીજયુનીટ, સોલાર પાવર પ્લાન્ટ થકી ૦.૬૬ કરોડ યુનીટ અને બાયોગેસ પાવર પ્લાન્ટ થકી ૦.૭૫ કરોડ વીજયુનીટ વીજળી મેળવવામાં આવી હત. વિન્ડ પાવર પ્લાન્ટ થકી રૂા.૫૭.૮૧ કરોડ, સોલાર પાવર પ્લાન્ટ થકી રૂા.૫.૦૮ કરોડ અને બાયોગેસ પાવર પ્લાન્ટ થકી રૂા.૫.૮૮ કરોડ મળી કુલ રૂા.૬૮.૭૭ કરોડની વીજબચત કરવામાં આવી છે.