ડુંગળી વેચનારા ૩૧ હજારથી વધુ ખેડૂતોને રૂ. ૬૯ કરોડથી વધુ માતબર રકમની સહાય ચૂકવાઈ

૧ એપ્રિલથી ૩૧ મે, ૨૦૨૨ દરમિયાન ખેડૂત દીઠ મહત્તમ ૨૫ હજાર કિલો ડુંગળીના વેચાણ સુધી મહત્તમ રૂ.૫૦ હજારની સહાય
તમામ સહાય DBT દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ APMCમાં ખેડૂત
દ્વારા વેચાણ થતી ડુંગળી માટે પ્રતિ કિલોએ રૂ.૨ની આર્થિક સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. જે અંતર્ગત ડુંગળી વેચનારા ૩૧,૬૭૪ ખેડૂતોને અંદાજે રૂ. ૬૯.૨૭ કરોડની માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ખેડૂત દીઠ મહત્તમ ૨૫ હજાર કિલો ડુંગળીના વેચાણ સુધી મહત્તમ રૂ.૫૦ હજારની આર્થિક સહાય મળવાપાત્ર છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.૧૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરેરાશ કરતાં વધુ વાવેતરના પરિણાણે ડુંગળીનું ઉત્પાદન વધતાં સૌરાષ્ટ્ર વિસ્તારની વિવિધ APMCઓમાં ડુંગળીની ભારે માત્રામાં આવક થઇ હતી. જેને કારણે APMCમાં ડુંગળીના વેચાણ ભાવ ઘટ્યા હતા.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પોષણક્ષમ ભાવના અભાવે, ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવા માટે અનેક રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.
જેના ભાગરૂપે રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા સૌરાષ્ટ્ર વિસ્તારની એ.પી.એમ.સીમાં તા. ૦૧/૦૪/૨૦૨૨ થી તા. ૩૧/૦૫/૨૦૨૨ દરમ્યાન ડુંગળીનુ વેચાણ કરનાર ખેડૂતોને સહાય આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો હતો. પાત્રતા ધરાવતા ખેડૂતોને અંદાજે રૂ. ૬૯.૨૭ કરોડની માતબર રકમની સહાય DBT દ્વારા બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે.
ખેડૂતોએ રાજ્ય સરકારની આ સહાયથી લાભાન્વિત થતાં આનંદની લાગણી અનુભવતાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.