છઠ્ઠી સ્માર્ટ ઈન્ડિયા હેક આ થોન-૨૦૨૩નું GTU અને ISRO દ્વારા આયોજન

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા છઠ્ઠી સ્માર્ટ ઈન્ડિયા હેક આ થોન-૨૦૨૩નું આયોજન આગામી તા. ૧૯ ડિસેમ્બરનાં રોજ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે કરવામાં આવશે. યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગટે તથા સમસ્યા નિવારવાની સૂઝ પ્રગટે અને તેનું નિવારણ વ્યવહારિક રીતે કરવાની તક મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
આ હેક આ થોનમાં કુલ ૩૪ જેટલા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તેમજ સમગ્ર ભારતનાં ઉદ્યોગો દ્વારા મોકલવામાં આવેલ ૨૩૪ જેટલી સમસ્યા (પ્રશ્નો)ની યાદી આપાવામાં આવી છે. આખા ભારત માટે આ અંગે કુલ ૧૨૮૨ ટીમો પસંદગી કરવામાં આવી છે. જેમાં ૭૯૯૨ સહભાગીઓ સામેલ થશે.
આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સમસ્ત ભારતમાંથી ૧૪ રાજ્યોની ૪૬ જેટલી ટીમો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના નોડલ સેંટરમાં જોડાશે. આ ૪૬ ટીમમાં ૨૧૨ વિદ્યાર્થીઓ અને ૧૧૦ વિદ્યાર્થિનીઓ ભાગ લેશે.
આજ રીતે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોની ૧૦ ટીમો ગુજરાત બહારના બીજા નોડલ સેન્ટરમાં આજ પ્રકારની હેક આ થોન કસોટીમાં ભાગ લેવા માટે જશે. આ ૧૦ જૂથો અનુક્રમે (૧) ગુજરાત પાવર એન્જિનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીપેરી) (૨) એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગ (૩) ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ગાંધીનગર (૪) ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ભાવનગર અને (૫) વિશ્વકર્મા ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજનાં વિદ્યાર્થીઓ હશે.
ભારત સરકાર દ્વારા હેક આ થોન કાર્યક્રમ માટે ૪૭ નોડલ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ પૈકીનું એક કેન્દ્ર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી પણ છે.આગામી ૧૯મી તારીખે યોજવામાં આવનાર હેકઆથોનનું આયોજન સફળતાપૂર્વક પાર પડે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ ગજ્જર અને ઇસરો,અમદાવાદના નિયામક નિલેશ દેસાઈના માર્ગદર્શન તળે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઈસરોના અધિકારીઓ સુંદર જહેમત ઉઠાવી રહ્યા છે.
આ હેકઆથોનનાં આયોજન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજ્યનાં માનનીય શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.