7 મે ના રોજ વોટ કરશો તો ખરીદીમાં મળશે 7 ટકા ડિસ્કાઉન્ટ
પંચમહાલ ના વિવિધ એસોસિએશનની પહેલ
(પ્રતિનિધિ) ગોધરા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
૧૮-પંચમહાલ સંસદીય વિસ્તાર અંતર્ગત આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે જિલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અપીલ હેઠળ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ આગામી ૭ મે ના રોજ યોજાનાર લોકસભા ચુંટણીમાં મત આપનાર લોકોને વિવિધ ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું.
બેઠકમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ, જવેલર્સ એસોસિએશન દ્વારા ચૂંટણીમાં મત આપનાર લોકોને સાત દિવસ સુધી મેકિંગ ચાર્જ પર ૭ ટકા ડિસ્કાઉન્ટ, ટુ વ્હીલર એસોસિએશન દ્વારા વોટિંગ બાદ જ્યા સુધી ચિહ્ન દેખાય ત્યાં સુધી ૭ ટકા ડિસ્કાઉન્ટ, શહેરા ડોક્ટર એસોસિએશન દ્વારા કન્સલ્ટન્ટ ફી નહીં લેવાનો નિર્ણય, વેપારી એસોસિએશન દ્વારા ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ, વાસણ એસોસિએશન હાલોલ, હોટલ નીલકંઠ હાલોલ, મહેશ્વરી ટ્રેડર્સ, બંસલ સુપર માર્કેટ સહિત તમામ એસોસિએશન દ્વારા મત આપનાર લોકોને ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ માટે ગોધરા નગરપાલિકા વેપારી એસોસિએશન દ્વારા ગોલ્ડ સિવાય ૭૦૪ દુકાનો ખાતે મત આપનાર લોકોને ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મીઠાઈ ફરસાણની દુકાનો પર એક હજારની ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સર્વ સંમતિથી ૭ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જિલ્લા વાસીઓને ૭ મે ના રોજ વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.