નદીમાંથી ૭ દિવસમાં મળી ૭ લાશ, એક જ પરિવારના સભ્યો

પુણે, મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દૌંડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ૭ દિવસ સુધી ભીમા નદીમાંથી એક પછી એક ૭ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાંથી ૩ મૃતદેહો મંગળવારે જ મળી આવ્યા હતા. મૃતકોમાં વૃદ્ધ પતિ, પત્ની, તેમની પુત્રી અને જમાઈ અને ૩ બાળકોનો સમાવેશ થાય છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારના ઓહાપો મચી ગયો હતો. આ સાથે જ પોલીસ પણ આશ્ચર્યમાં છે કે, એક સાથે પરિવારના ૭ લોકોના મોતનું કારણ શું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ પરિવારની નાની દીકરી ઘરેથી ભાગી ગઈ હતી અને તેણે તેની ઉંમરથી ઘણા મોટા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.
તેના આ પગલાથી પરિવારને એટલો આઘાત લાગ્યો કે, છોકરીના પિતા સહિત પરિવારના ૭ સભ્યોએ ભીમા નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ અંગે અકસ્માત મોતનો રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે. જાેકે, એક જ પરિવારના આ તમામ લોકોના મોતનું સાચું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં ચાર લોકોના નામ મોહન ઉત્તમ પવાર, સંગીતા મોહન પવાર, રાની શામ ફુલવારે, શામ ફુલવારે છે. આ પરિવાર ૧૭ જાન્યુઆરી, મંગળવારે રાત્રે ૧૧ વાગ્યા પછી નિખોજ ગામથી વાહનમાં નીકળ્યો હતો. ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
શિરુર-ચૌફુલા રોડ પર દૌંડ તાલુકાના પારગાંવ બોર્ડર પાસે ભીમા નદી પાસે તેની કાર મળી આવી હતી, ત્યારબાદ પોલીસે નદીમાં તેની શોધ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, ૧૮ જાન્યુઆરીએ નદીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. ત્યારબાદ ૨૦, ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. આ પછી, ૨૪ જાન્યુઆરી, મંગળવારે અન્ય ૩ ગુમ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.SS1MS