Western Times News

Gujarati News

શામળાજી પાસે ઈનોવા -ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં અમદાવાદના 7 વ્યક્તિઓનાં મોત

અમદાવાદ, હિંમતનગર-શામળાજી હાઈ-વે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. તા. 25-09-2024 ગુરૂવારના રોજ હિંમતનગર નજીક ટોયોટા ઈનોવા ગાડી અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  અક્સ્માત થયેલી ઈનોવા ગાડી અમદાવાદ આર.ટી.ઓ. પાસીંગની હોવાનું જાણવા મળેલ છે. 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે. શામળાજી તરફથી અમદાવાદ આવતી ઈનોવા ગાડી ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર કારમાં કુલ ૮ લોકો હતા અને તેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ઘાયલ અને મૃતકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યા છે.

આ અકસ્‍માત સવારે સાડા ચાર વાગ્‍યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્‍યા અનુસાર આ અકસ્‍માતમાં કારને ભારે નુકસાન થયું છે. અનુમાન છે કે અકસ્‍માત સમયે ઝડપ ૧૨૦ કિમી પ્રતિ કલાકથી વધુ હશે.

કારમાં સવાર તમામ યુવકો અમદાવાદના રહેવાસી હતા અને તેઓ શામળાજી તરફથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી. જેના કારણેગેસ કટરથી કારનાં પતરાં કાપી લાશોને બહાર કાઢવી પડી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા

1. ચિરાગ રવિભાઈ ધનવાની (ઉંમર.23, રહે. કૈલાશરાજ હાઈટ્સ, કુબેરનગર-અમદાવાદ) 2. રોહિત સુરેશભાઈ રામચંદાણી, (ઉંમર 25, રહે.નરોડા ગેલેક્ષી) 3. સાગર નરેશકુમાર ઉદાણી (ઉંમર 22, રહે.કુબેરનગર-અમદાવાદ) 4. ગોવિંદ લાલચંદભાઈ રામરાણી, (ઉંમર 28,રહે.કુબેરનગર-અમદાવાદ) 5. રાહુલ પ્રહલાદભાઈ મુલચંદાણી, (ઉંમર 23, રહે.કુબેરનગર-અમદાવાદ) 6. રોહિત શીરવાણી (રહે.કૈલાશ રોઝોઈસ, નાનાચીલોડા-અમદાવાદ) 7. ભરત સુરેશકુમાર કેશવાણી (રહે.ઠક્કરનગર-અમદાવાદ)

ઇજાગ્રસ્ત હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હનીભાઈ શંકરલાલ તોતવાની (ઉ.વ. 22, કુબેરનગર, અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.