યુવતીને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 7 લાખ પડાવ્યા
સાયબર ગઠિયાએ ફાર્મા કંપનીની મહિલા ડેપ્યુટી મેનેજરને ફસાવી સાત લાખ ખંખેર્યા-મુંબઈથી એનસીબીના નામે ફોન કરી શાતિર ગેંગ ખેલ પાડી ગઈ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતી અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતી યુવતીને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ગઠિયાઓએ સાત લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શ્રી અક્ષત આંગનમાં રહેતી ડોલી ગોઠિએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરી છે. ડોલી યુનિસન ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. થોડા દિવસ પહેલાં ડોલીના મોબાઈલ પર એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો
જેણે પોતાની ઓળખ રણજીત તરીકે આપી હતી અને તે કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. રણજીતે કહ્યું હતું કે, તમારું ઈરાન જઈ રહેલું કુરિયર અમારી કંપનીમાં બ્લોક થયું છે. ડોલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેનેજર હોવાથી તે ઘણા કુરિયર મોકલતી હોય છે જેથી તેણે રણજીતને કુરિયરમાં શું છે ? તેમ પૂછયું હતું.
ડોલીએ સવાલ પૂછતાં રણજીતે જણાવ્યું હતું કે, કુરિયરમાં આઈસીઆઈસીઆઈ બેન્કના ડેબિટ કાર્ડ, કપડાં, ચાર એકસ્પાયર્ડ થયેલા પાસપોર્ટ તેમજ પ૦૦ ગ્રામ ડ્રગ્સ છે.
ડ્રગ્સનું નામ સાંભળતા જ ડોલી ગભરાઈ ગઈ હતી અને તેણે કોઈ કુરિયર મોકલ્યું નથી તેમ જણાવ્યું હતું. રણજીતે ડોલીને કહ્યું હતું કે, તમારા વિરૂદ્ધ ફરિયાદ થઈ છે જેથી હું કોલ મુંબઈ અંધેરી ઈસ્ટ ક્રાઈમ બ્રાન્ચને ફોરવર્ડ કરું છું. રણજીતે તેનો ફોન મુંબઈ અંધેરી ક્રાઈમ બ્રાન્ચમાં ફોરવર્ડ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના નામે ડોલી સાથે ગઠિયાએ વાત કરી હતી.
ગઠિયાએ વેરિફિકેશન માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં આવવું પડશે તેમ કહ્યું હતું, નહીં તો ઓનલાઈન વીડિયોકોલથી વેરિફિકેશન કરવાનું કહ્યું હતું. ડોલી ઓનલાઈન વેરિફિકેશન કરવા માટે રાજી થઈ જતાં ગઠિયાએ એસકેવાયપીઈ એપ્લિકેશનની મદદથી વીડિયોકોલ કરવાનું કહ્યું હતું અને એનસીબીનું આઈડી આપ્યું હતું.
એસકેવાયપીઈ એપ્લિકેશન પરથી ડોલીએ મુંબઈ એનસીબી ડિપાર્ટમેન્ટ સર્ચ કરીને તેના પર વાત કરવાની શરૂ કરી હતી. એસકેવાયપીઈની આઈડીમાં એનસીબીનો લોગો હતો જેથી ડોલી સાચા કોઈ પોલીસ કર્મચારીઓ સમજી બેઠી હતી. ડોલીએ વીડિયો કોલ કર્યો ત્યારે સામે તે કોઈનો ચહેરો જોઈ શકી નહીં ત્યારબાદ ડરાવવાનો ખેલ શરૂ થયો હતો.
કોલ ઉપાડનાર ગઠિયાએ ડોલી પાસેથી આઈડી પ્રૂફ તેમજ આધારકાર્ડની કોપી પણ માંગી હતી. ડોલીએ ગઠિયાને તમામ વિગતો મોકલી આપી હતી ત્યારબાદ ગઠિયાએ ડોલીને ધમકાવીને કહ્યું હતું કે તમારે સતત વીડિયોકોલમાં હાજર રહેવાનું છે. ગઠિયો ડોલીને કહેવા લાગ્યો હતો કે તમારા આધારકાર્ડનો ઝારખંડ અને બિહારમાં ખોટી પ્રવૃત્તિ માટે ઉપયોગ થયો છે.
આથી ડોલી ગભરાઈ ગઈ હતી અને તેણે પોતાની તમામ વિગતો ગઠિયાને આપી દીધી હતી. દરમિયાનમાં ગઠિયાએ પોલીસ યુનિફોર્મ પહેરેલી વ્યક્તિનું આઈડી પણ ડોલીને મોકલી આપ્યું હતું. પોલીસનું આઈડી જોતાંની સાથે જ ડોલીને પાકો વિશ્વાસ આવી ગયો હતો કે એપ્લિકેશન પર ફોન કરનાર પોલીસ કર્મચારી છે.
થોડા સમયમાં ડોલીના બેન્ક એકાઉન્ટમાં ૬.૭૦ લાખ જમા થયા હતા ત્યારબાદ સાત લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનો મેસેજ આવ્યો હતો. ડોલીને કંઈક અજુગતું થઈ રહ્યું હોવાની શંકા જતાં તેણે વીડિયો કોલ કાપી નાંખ્યો હતો અને તરત જ બેન્કમાં પહોંચી ગઈ હતી.
બેન્કમાં જતાં જાણવા મળ્યું હતું કે, ક્રેડિટકાર્ડમાં ઈન્ટરેસ્ટ લોન ગઠિયાઓએ એપ્રૂવ કરાવી દીધી હતી. ત્યારબાદ તેના ખાતામાંથી ટ્રાન્સફર કરી દીધા હતા. ડોલી સાથે સાત લાખ રૂપિયાનું ચીટિંગ થતાંની સાથે જ તેણે પોતાનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધું હતું. ડોલીએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.