ઉકરડા બાબતે થયેલા ઝઘડામાં હત્યાઃ એક જ કુટુંબના ૭ સભ્યોને આજીવન કેદની સજા
હત્યાના ગુનામાં ૭ને આજીવન કારાવાસની સજા-કુલ ૮ સામે ફરિયાદ નોધાઈ હતી આ પૈકી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત નિપજ્યું હતું
(પ્રતિનિધિ)નડિયાદ, કપડવંજના નારના મુવાડા ગામે વર્ષ ૨૦૨૦મા એક હત્યાનો ગુનો નોધાયો હતો. જેમાં ઉકરડા બાબતે થયેલા ઝઘડામાં એકજ કુટુંબના ૮ લોકોએ દંપતિ પર હુમલો કરી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના બનાવમાં ૩ વર્ષ પછી ન્યાય મળ્યો છે.
કપડવંજ કોર્ટે એક જ કુટુંબના ૭ સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. આ બનાવમાં એક આરોપીનું ટ્રાયલ દરમિયાન આકસ્મિક મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે, કેસમાં ઈન્જર આઈ વીટનેસની જુબાની અને મેડીકલ એવિડન્સ તેમજ અન્ય પુરાવાઓ નામદાર કોર્ટે ધ્યાનમાં લઈને સજા સંભળાવી છે.
કપડવંજ તાલુકાના નારના મુવાડા ખાતે રહેતા ૩૫ વર્ષિય વિનોદભાઈ જેઠાભાઈ પ્રજાપતિઓને એમની નજીકમાં ઘરની પાછળ ઢોર ઢાંખરના છાણનો ઉકરડો આવેલ હતો. આ ઉકરડા ઉપર ગામમાં રહેતા ભવાનભાઈ બુધાભાઈ પરમારનાઓએ કપાસની ઘાસડીઓ નાખી ઉકરડો દબાવી દિધો હતો.
જે બાબતે આ વિનોદભાઈને આ ભવનાભાઈ સાથે વર્ષ ૨૦૨૦માં બોલાચાલી થઈ હતી. ગત ૫ મે ૨૦૨૦ના રોજ સાંજના ૫ વાગ્યાના અરસામાં ઉપરોક્ત ભવાનભાઈ બુધાભાઈ પરમારે આ વિનોદભાઈ પ્રજાપતિના ઘર પાસે આવ્યા હતા. અને ઘાસડીઓ ખસેડી લેવાનું કેમ કહે છે તેમ કહી બોલાચાલી કરી હતી.
જાેકે આ સમયે આ વિનોદભાઈ પ્રજાપતિ હાજર ન હોય તેમની પત્ની અને પિતા તેમજ ભાઈને ગંદી ગાળો ભવાનભાઈએ બોલી હતી. આ બાદ વિનોદભાઈના ભાઈ દશરથભાઈ તેમજ પિતા જેઠાભાઈનાઓ મોટરસાઈકલ લઈને કપડવંજ પોલીસ સ્ટેશન આવવા નિકળેલા તે વખતે શિતલબેન તેમજ તેમના પતિ વિનોદભાઈ ઘરે એકલા હાજર હોય આશરે સાડા છ
વાગ્યાના અરસામાં આ ભવાનભાઈ બુધાભાઈ પરમાર ફરીથી શિતલબેન તથા તેના પતિ વિનોદભાઈને ગમે તેમ ગાળો બોલવા આવ્યા હતા.આ પછી આ ભવાનભાઈ અને તેમના કૌટુંબિક લોકો વિજયભાઈ બાબુભાઈ પરમાર, અજયભાઈ બાબુભાઈ પરમાર, બાબુભાઈ જીવાભાઈ પરમારનાઓ હાથમાં લાકડીઓ લઈને તેમજ વિઠ્ઠલભાઈ સોમાભાઈ પરમાર,
સંજય વિઠ્ઠલભાઈ પરમાર હાથમાં લાકડના ડંડા તથા સુનિલ જયંતીભાઈ પરમાર હાથમાં લાકડનો ડંડો લઈ એક સંપ થઈને વિનોદભાઈ અને તેમની પત્નીને ગંભીર માર માર્યો હતો.
વિનોદભાઈને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ થયેલી, જેથી તેઓનું બીજા દિવસે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જ્યારે આ બનાવમાં વિનોદભાઈને બચાવવા જતાં શંકરભાઈ ઐતાભાઈ પ્રજાપતિ, શીષભાઈ શંકરભાઈ પ્રજાપતિ અને રમીલાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિ ઘાયલ થયા હતા. હુમલાખોરોએ પથ્થરમારો પણ કર્યો હતો.
આ બનાવ મામલે શિતલબેન પ્રજાપતિએ કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે આઈપીસી ૩૦૨, ૧૪૯ મુજબ ગુનો દાખલ કરી કુલ ૮ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આજે આ કેસ કપડવંજની સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ વિ.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલી ગયો હતો.
જેમાં આ કેસમાં ૩ ઈન્જર આઈ વીટનેસની જુબાની અને મેડીકલ એવિડન્સ તેમજ અન્ય પુરાવાઓ નામદાર કોર્ટે ધ્યાનમાં લીધા હતાં. અને સરકારી વકીલ મિનેશ પટેલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી ભવાનભાઈ ઉર્ફે લાલો બુધાભાઈ પરમાર, વિજયભાઈ બાબુભાઈ પરમાર,
અજાભાઈ બાબુભાઈ પરમાર, બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ જીવાભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ સોમાભાઈ પરમાર, જયેશભાઇ ઉર્ફે ભગાભાઈ ઉદાભાઈ પરમાર, સુનીલભાઈ જયંતિભાઈ પરમારને આજીવન કારાવાસની સજા ફટકારી છે. સાથે દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં અલ્પેશ ઉર્ફે સંજયભાઈ વિઠ્ઠલભાઈનુ ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું.