અંધશ્રદ્ધાનું આચરણ કરનાર-કરાવનારને ૭ વર્ષ સુધીની કેદ
વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર-૫ હજારથી ૫૦ હજાર સુધીનો દંડ
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન મળશે નહીં.
૨૧ ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે. જેમાં સત્રના પ્રથમ દિવસે જ ગુજરાત વિધાનસભા ગૃહમાં કાળા જાદુ વિરુદ્ધ બિલ રજૂ કર્યું હતું. દરમિયાન અંધશ્રદ્ધા વિરોધી બિલને લઈને ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં જ ખાલી કાળા જાદુની પ્રથા લાગુ નથી, પરંતુ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રકારની પ્રથા જોવા મળે છે. જો કે, દરેક જગ્યાએ કાળા જાદુને રોકવા માટે અલગ કાયદાઓ લાગુ કરવામાં આવ્યાં છે. આઝાદીનાં ૭૮ વર્ષ પછી પણ અંધશ્રદ્ધાની ઘટના બને છે, તે રોકવી જરૂરી છે. અંધશ્રદ્ધાવિરોધી બિલમાં લોકોની આસ્થા અને માન્યાતને ઠેસ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરુ કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિન જામીનપાત્ર ગુનો નોંધીને ૬ માસથી ૭ વર્ષ સુધીની કેદ, ૫ હજારથી ૫૦ હજાર સુધીનો દંડની જોગવાઈ છે.
ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે ઘણી જગ્યાએ અનિષ્ટ અને દુષ્ટ પ્રથા ચાલતી આવે છે. જેમાં માનવ બલિદાન, વાળથી બાંધી લટકાવવાના બનાવો, મરચાંનો ધુમાડો કરવાની કે ભૂત અને ડાકણ કાઢી આપવાના કૃત્યો, અધોરી પ્રથા અને કાળા જાદુના પ્રયોગ થતાં હોય છે.
ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી. કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર – પસાર કરવો ગુનો ગણાશે. ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે.
કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે. સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે.
ભૂત કે ડાકણ મંત્રોથી બોલાવી અન્યને ભયમાં મૂકવા તે બાબત પણ ગુનો બનશે. ભૂત – ડાકણને બોલાવી અન્યોને શારીરિક ઇજા પહોંચાડવી પણ ગુનો બનશે. ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે.
આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે. આવો ગુનો કરનાર વ્યક્તિને ૬ મહિનાથી ૭ વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ. ગુનેગારને રૂ. ૫ હજારથી ૫૦ હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ. વિદેશમાં પણ આવા બ્લેક મેજિક અંગેના કાયદાઓ બન્યા છે.
હાલ રાજ્યમાં કાળા જાદુ અંગે રાજ્યમાં કોઇ કાયદો નથી. ભોળા લોકોનું બ્લેક મેજીકથી શોષણ કરાય છે. ભાવુક લોકોને ખોટી દિશામાં લઇ જવાનું કામ કેટલાક લેભાગુ લોકો કરે છે. બહેનોની સુરક્ષા માટે આ બિલ મુખ્યમંત્રી તરફથી ભેટ છે.